કોલકત્તાઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના સરકારી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ કેન્દ્ર સરકારને બંગાળ સંબંધિત ડેટા આપવાનું બંધ કરે. ગુરુવારે 24 પરગના જિલ્લામાં અધિકારીઓ સાથેની બેઠકમાં મમતાએ કહ્યું કે, પશ્વિમ બંગાળના સરકારી વિભાગ પોતાનું પોર્ટલ બનાવશે અને ડેટા સુરક્ષિત કરશે. મમતાનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પશ્વિમ બંગાળ પાસેથી લીધેલા ડેટાનો ઉપયોગ સમાજના કેટલાક વર્ગોમાં રાજકીય સંદેશ મોકલવા માટે કરી રહી છે.
પ્રથમવાર મુખ્યમંત્રી દ્ધારા આપવામાં આવેલા આ પ્રકારના નિર્દેશનું પાલન કરવા માટે સરકારના અધિકારીઓએ તમામ સરકારી વિભાગોના ડેટા સુરક્ષિત રાખવા ડેશબોર્ડ બનાવવાની દિશામાં કામ શરૂ કરી લીધું છે. આ ડેશબોર્ડ તમામ સરકારી પોર્ટલો માટે કોમન પ્લેટફોર્મનું કામ કરશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, હવે અમે અમારા પોર્ટલ પર જ પશ્વિમ બંગાળ સંબંધિત ડેટા સુરક્ષિત રાખીશું. આપણે કેન્દ્રને માહિતી આપવાનું બંધ કરી દેવું જોઇએ કારણ કે ડેટા એકઠા કરવાના નામ પર કેન્દ્ર સરકાર ઘણી ચીજોને પોતાની રીતે કંન્ટ્રોલ લેવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર સીધી રીતે સંઘીય માળખાને પ્રભાવિત કરી રહી છે જે યોગ્ય નથી. આ અગાઉ દેશમાં આવું ક્યારેય થયું નથી. અમારી સરકાર પણ કેન્દ્રની જેમ લોકો દ્ધારા ચૂંટાઇને સત્તામાં આવી છે.
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે પશ્વિમ બંગાળમાં લઘુમતીની જનસંખ્યા સાથે જોડાયેલી જાણકારી તો અમારી પાસેથી લીધી પરંતુ તેમના નામ પર વિકાસ માટે ના પૈસા આપ્યા ના તેમના બાળકોને સ્કોલરશીપ. બાદમાં અમારી સરકારે તેમના માટે રૂપિયા જાહેર કર્યા હતા. તેઓ અમારી અધિકારીઓ પાસેથી ડેટા તો લઇ લે છે પણ કોઇ ફંડ આપતા નથી. તેઓ આ ડેટાનો ઉપયોગ ફક્ત પોતાના રાજકીય હિતોને સાધવા માટે કરી રહ્યા છે.