નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળ્યા બાદ તેમની શોધ માટે તપાસ અભિયાન ચલાવ્યું હતું. અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, અથડામણ દરમિયાન ઠાર મરાયેલા આતંકીઓનો મૃતદેહ હાથ લાગ્યો નથી. આ અગાઉ શુક્રવારે સવારે પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લામાં અવંતીપોરાના બાંદેરપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને તપાશ અભિયાન ચલાવ્યું હતું. આ વચ્ચે અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  કાઠુઆના રામકોટેમાં સંયુક્ત સર્ચ અભિયાનમાં ટીમને બ્લેક રંગના પેકેટમાં 2 એકે 47 રાઇફલ અને યુદ્ધ માટે ઉપયોગ કરનારા સામાન મળ્યો હતો.