કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી બે-ત્રણ દિવસ ડૉક્ટરની દેખરેખમાં રહેશે. મમતા બેનર્જીને શુક્રવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામા  આવી છે. બે દિવસ પહેલાં નંદીગ્રામમાં થયેલા અકસ્માત બાદ મમતા બેનર્જી કલકત્તાના SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે 'મુખ્યમંત્રીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. આજે તેમના ડાબા પર લગાવામાં આવેલા પ્લાસ્ટરને કાપીને ચેક કરવામાં આવ્યું કે ઇજા ઠીક થાય છે કે નહી. આ દરમિયાન ડોક્ટરોએ તપાસમાં જોયું કે સીએમના પગનો સોજો ઘટી રહ્યો છે. આ ઉપરાંત તેમને ગરદન, ખભા અને કમરમાં વધુ દુખાવો થઇ રહ્યો નથી. ડોક્ટર 48 કલાક સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા માંગે છે, પરંતુ સીએમ દ્રારા વારંવાર કહેવામાં આવતાં તેમને રજા આપવામાં આવી છે. 


બુધવારે નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારી દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ પોતાના પર થયેલા હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંદિરથી પરત ફરથી વખતે 4 થી 5 લોકોએ કારના દરવાજાને ધક્કો માર્યો.  તેમનો પગ કારના દરવાજામાં ફસાય ગયો અને તેમને ઇજા પહોંચી. તેના પર સીએમ મમતાએ કહ્યું કે આ અકસ્માત નથી એક કાવતરું છે.