મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે, મને જેઇઇ મેઇન્સને ગુજરાતી ભાષામાં કરવા સામે કોઇ વિરોધ નથી. અમારા શિક્ષણ મંત્રીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પત્ર લખીને બંગાળીમાં પણ પરીક્ષાનું આયોજન કરાવવાની અપીલ કરી છે. નોંધનીય છે કે મમતાએ અત્યાર સુધીમાં ફક્ત હિંદી અને અંગ્રેજીમાં યોજાતી જેઇઇ પરીક્ષાને ગુજરાતીમાં પણ કરાવવાના સરકારના નિર્ણય પર નિશાન સાધ્યું હતું.
આ અગાઉ મમતા બેનર્જીએ બુધવારે ટ્વિટ કરી સવાલ ઉઠાવ્યો હતો કે, આ નિર્ણય નિશ્વિત રીતે પ્રશંસાને પાત્ર નથી. મને ગુજરાતી ભાષા સાથે પ્રેમ છે. પરંતુ અન્ય ભારતીય ભાષાઓને નજરઅંદાજ કરવામાં કેમ આવી રહી છે. તેની સાથે અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. જો ગુજરાતી ઉપલબ્ધ છે. તો પછી બંગાળી સહિત અન્ય ભારતીય ભાષાઓને પણ સામેલ કરવી જોઇએ. મમતાએ કહ્યું કે, જો તેના પર યોગ્ય રીતે નિર્ણય નહી લેવાય તો વિરોધ કરવામાં આવશે. કારણ કે આ અન્યાયથી અન્ય ક્ષેત્રીય ભાષાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે.
આ અગાઉ એનટીએ મમતા બેનર્જીના સવાલોના જવાબ આપ્યા હતા. એનટીએએ કહ્યુ કે, ગુજરાતે અમને વિનંતી કરી હતી જેના કારણે ગુજરાતીમાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરી છે. અન્ય રાજ્યોએ આ સંબંધમાં અમારો કોઇ સંપર્ક કર્યો નથી. 2013માં તમામ રાજ્યોને વિનંતી કરાઇ હતી પરંતુ ફક્ત ગુજરાત રાજ્ય પોતાની એન્જિનિયરીંગ કોલેજોમાં વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન મારફતે પ્રવેશ અપાવવા તૈયાર થયું હતું. આ સાથે અપીલ કરી હતી કે પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવું જોઇએ.