લખનઉઃ અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં નિર્ણય અગાઉ અયોધ્યા વહીવટીતંત્રએ પુરતી તૈયારી કરી લીધી છે. પંચ કોસી પરિક્રમાને લઇને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી અયોધ્યા શહેરની દેખરેખ રાખવામાં આવી રહી છે. અયોધ્યાને લઇને સ્થાનિક વહીવટીતંત્રએ અનેક પીસ કમિટીઓ બનાવી છે. આ કમિટીઓમાં સામેલ લોકોને ગામમાં જઇને લોકોને શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની અપીલ કરી રહ્યા છે. બહારના જિલ્લાઓમાં ડઝનેક સંખ્યામાં અસ્થાયી જેલ પરિસરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.


સ્કૂલ અને પ્રાઇવેટ બિલ્ડિંગનો અસ્થાયી જેલ માટે નક્કી કરવામાં આવ્યા છે. અયોધ્યાના તમામ વિસ્તારોમાં ફોર્સની તૈનાતી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના નિર્ણયને જોતા ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે. તમામ રાજ્યોને ચુકાદાને લઇને એલર્ટ રહેવાના નિર્દેશ અપાયા છે. સૂત્રોના મતે વધારાની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે. આ 40 કંપનીઓમાં 4000 પૈરા મિલિસ્ટ્રી ફોર્સના જવાન સામેલ છે.

સુનાવણી પૂર્ણ થઇ ત્યારથી તમામ પક્ષોના વકીલોના દાવાઓ અને પુરાવાઓની તપાસની સાથે ચુકાદો લખાઇ રહ્યો છે.કેટલાક લોકોનુ કહેવું છે કે સુપ્રીમ કોર્ટ 13થી16 નવેમ્બર વચ્ચે અયોધ્યા પર ચુકાદો આપી શકે છે.