Mamata Mohanta Join BJP: તાજેતરમાં પુરી થયેલી ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં BJDના કિલ્લાને ધરાશાયી કરી નાંખ્યો હતો. ત્યારથી ભાજપે અહીં રાજકીય સમીકરણો મજબૂત કરવાનું શરૂ કરી દીધું હતું. મમતા મોહંતાએ બુધવારે (31 જુલાઈ 2024) રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમનું રાજીનામું મંજૂર કરી દીધું હતું.
બીજેપીમાં સામેલ થઇ મમતા મોહંતી
આ પછી બીજુ જનતા દળના પૂર્વ રાજ્યસભા સાંસદ મમતા મોહંતા ગુરુવારે (1 ઓગસ્ટ 2024) બીજેપીમાં સામેલ થયા. મોહંતાએ પોતાની પાર્ટી બીજેડીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. મમતા મોહંતા વર્ષ 2020માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા અને તેમનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો હતો.
શું છે રાજ્યસભાનું ગણિત
હવે મમતા મોહંતાના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાશે એટલે વિધાનસભામાં સભ્યોની સંખ્યાના ગણિત મુજબ આ બેઠક ભાજપના પક્ષમાં જશે. ઓડિશામાં રાજ્યસભાની 10 બેઠકો છે. અહીં ભાજપ સત્તામાં છે, પરંતુ તેના ખાતામાં માત્ર એક રાજ્યસભા સાંસદ છે.
જો રાજ્યસભાનું ગણિત સમજીએ તો હાલમાં ઉપલા ગૃહમાં કુલ સભ્યોની સંખ્યા 245 છે, પરંતુ હાલમાં માત્ર 225 સાંસદો છે. રાજ્યસભામાં ભાજપના 86 સાંસદો છે. જો એનડીએના સાથી પક્ષોને સામેલ કરવામાં આવે તો આ આંકડો 101 સુધી પહોંચે છે, જે બહુમતીના 113ના આંકડા કરતા ઓછો છે. રાજ્યસભામાં બહુમતીના આંકની નજીક પહોંચવા માટે ભાજપ માટે ઓડિશામાંથી તેને મળેલી બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
'કોઇ ષડયંત્ર અંતર્ગત નથી કર્યુ ભાજપ જોઇન'
ભાજપમાં જોડાયા બાદ મમતા મોહંતાએ કહ્યું હતું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકોની સેવા કરવાના આદર્શોથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ છું. આ મારો અંગત નિર્ણય છે. હું કોઈ ષડયંત્રના ભાગરૂપે ભાજપમાં જોડાઈ નથી."
મમતા મોહંતાએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના ઓડિશા પ્રભારી વિજયપાલસિંહ તોમરની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. તેમણે કહ્યું કે બીજેડીમાં લાંબા સમયથી તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.