નવી દિલ્હીઃ તમિલનાડુની રાજધાન ચેન્નઈમાં એક મોબાઈલ શોપમાં ચોરી કરવા આવેલ ચોર પોતાની એક સામાન્ય ભૂલને કારણે પોલીસની રડાર પર આવી ગયો છે. ચેન્નઈના તોંદિયરપેટ વિસ્તારમાં એક દુકાનમાં ચોરી કરવા આવેલ આ ચોર ચોરી કરવામાં સફળ રહ્યો, પરંતુ દુકાનમાંથી ભાગવાની ઉતાવળમાં પોતાનો જૂનો મોબાઈલ ફોન ત્યાં જ મુકીને ભાગી ગયો. બાદમાં તપાસ કરવા આવેલ પોલીસે આ ફોનથી જ તેની શોધખોળ શરૂ કરી.


પોલીસ અનુસાર, તોંદિયરપેટ વિસ્તારના રહેવાસી જાનકીરમન પોતાના ઘરની નજીકમાં એક મોબાઈલ શોપ ચલાવે છે. મંગળવારે સવારે અંદાજે 3 કલાકે તેમણે પોતાની દુકાનમાં કેટલીક તોડફોનો અવાજ સાંભળ્યો, ત્યાર બાદ તે તરત જ શોપ સુધી પહોંચી ગયા. અહીં તેમણે જોયું કે દુકાનમાંથી એક નવો મોબાઈલ ફોન ગાયબ છે અને ફ્લોર પર એક જૂનો મોબાઈલ ફોન પડ્યો છે. જાનકીરમને આ ઘટનાની જાણકારી પોલીસને આપી.

ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ચોરે દુકાનના કેશ બૉક્સમાં રહેલા રોકડ અને અન્ય સામાનની ચોરી નથી કરી. આ ચોરે દુકાનમાંથી એક લેટેસ્ટ મોબાઇલ ફોન ચોર્યો અને પોતાનો જૂનો ફોન ત્યાંજ મુકીને ભાગી ગયો. પોલીસે જણાવ્યું કે ચોરની ઓળખ માટે સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવી અને આરોપીના મોબાઇલ ફોનની મદદથી તેની તલાશ કરવામાં આવી રહી છે.