મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન બુધવારે હિંસા થઈ હતી. આઠ જિલ્લામાં આ હિંસા ફેલાઇ હતી. હવે મણિપુરના હિંસાગ્રસ્ત વાતાવરણને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.






મણિપુરના રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના રાજ્ય સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. આ પહેલા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.


મણિપુરમાં હાલની સ્થિતિને જોતા મોબાઈલ ઈન્ટરનેટ બાદ બ્રોડબેન્ડ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારે રિલાયન્સ જિયો ફાઈબર, એરટેલ એક્સ્ટ્રીમ અને બીએસએનએલને બ્રોડબેન્ડ અને ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.


મણિપુર હિંસા પર મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ શાંતિની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે ધાર્મિક સ્થળો પર હુમલા આપણા સમાજ માટે યોગ્ય નથી. આસામ રાઈફલ્સની 34 કંપનીઓ અને સેનાની 9 કંપનીઓ મણિપુરમાં તૈનાત છે. આ સિવાય ગૃહ મંત્રાલયે રેપિડ એક્શન ફોર્સની પાંચ કંપનીઓને પણ મણિપુર મોકલી છે. જો કે તેમ છતાં મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી.


નોંધનીય છે કે અત્યાર સુધીમાં સાડા સાત હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઠ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબાલ, જીરીબામ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકપી અને તેંગનૌપાલમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.


 મૈતેઇ સમુદાયની વસ્તી અહીં 53 ટકાથી વધુ છે, પરંતુ તેઓ માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. અન્ય આદિવાસી સમુદાયોની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થયા છે, જે રાજ્યના 90 ટકા વિસ્તાર છે. મણિપુરમાં એક કાયદો છે, જે અંતર્ગત આદિવાસીઓ માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ અંતર્ગત માત્ર આદિવાસીઓ જ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે. મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ન મળ્યો હોવાથી તેઓ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી. જ્યારે અન્ય આદિવાસી સમુદાયો જો ઈચ્છે તો ખીણ વિસ્તારોમાં રહી શકે છે. તેથી જ મૈતેઈને પણ અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માંગણી કરી હતી.


વાસ્તવમાં તાજેતરમાં મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમવી મુરલીધરન દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૈતેઇને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ પર વિચાર કરવા જણાવ્યું હતું. આના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુરએ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.