મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી.  મંગળવારે થૌબલ જિલ્લામાં પણ અથડામણ થઇ હતી. જ્યાં ટોળાએ કથિત રીતે ભારતીય રિઝર્વ ફોર્સ (IRB)ના કેમ્પમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભીડને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં 27 વર્ષીય યુવકનું મોત થયું હતું.


અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાએ શસ્ત્રો અને દારૂગોળો લૂંટવા ખંગાબોક વિસ્તારમાં ત્રીજી આઇઆરબી બટાલિયનના કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ટૂંક સમયમાં જ સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે પહેલા ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો. જોકે બાદમાં ટોળાએ પણ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી હતી.


દરમિયાન એક યુવકને ગોળી વાગી હતી. આ સાથે આસામ રાઈફલ્સના એક જવાનને પણ પગમાં ગોળી વાગી હતી. ટોળાએ સેનાના વાહનને પણ આગ ચાંપી દીધી હતી. મૃતક યુવકનું નામ રોનાલ્ડો છે, જેને ગોળી વાગ્યા બાદ થૌબલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેની ગંભીર હાલતને કારણે તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું રસ્તામાં જ મોત થયું હતું. અન્ય 10 લોકો ઘાયલ પણ થયા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.


ઉલ્લેખનીય છે કે મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યા બાદ રાજ્યમાં પ્રથમ વખત હિંસા ફાટી નીકળી હતી. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. સાથે જ હજારો લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે.


કેરળમાં ભયાનક દુર્ઘટના


કેરળમાં અલપ્પુઝામાં એક હોડીને ભયાનક અકસ્માત નડ્યો છે. આ હોડી અકસ્માતમાં આશરે 25 મહિલાઓ ડૂબી જવાની આશંકા છે. કેરળમાં બોટ રેસ દરમિયાન આ અકસ્માત થયો હતો. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


કેરળના અલપ્પુઝામાં સોમવારે બોટ રેસ દરમિયાન એક બોટ પલટી ગઈ હતી. બોટમાં 25 મહિલાઓ સવાર હતી. બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય તમામ બોટ રેસને હાલ માટે રોકી દેવામાં આવી છે.


આ ઘટના ચંપાકુલમ પંચાયતની કાતિલ થેક્કેથિલ ચુંદન અને નેદુમુડી પંચાયતની સ્નેક બોટ વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન બની હતી. રેસ શરૂ થયાની થોડી જ વારમાં બોટ પલટી ગઈ હતી અને તેમાં સવાર મહિલાઓ પાણીમાં પટકાઈ હતી. આ ઘટના બાદ તુરંત જ  સ્થાનિક માછીમારો અને અન્ય રાહદારીઓ બચાવ કાર્યમાં મદદ કરવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.