Manipur Violence: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ બુધવારે (16 ઓગસ્ટ) મણિપુર હિંસા કેસોની તપાસ માટે વિવિધ રેન્કના 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓની નિમણૂક કરી છે. તૈનાત મહિલાઓ અધિકારીઓ સીબીઆઈને નિવેદનો નોંધવામાં અને પૂછપરછ કરવામાં મદદ કરશે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓ લવલી કટિયાર અને નિર્મલા દેવી સહિત ત્રણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓ રાજ્યમાં હિંસાના કેસોની તપાસ માટે તેમની સંબંધિત ટીમોનું નેતૃત્વ કરશે. ઉપરાંત, તમામ અધિકારીઓ સંયુક્ત નિયામક ઘનશ્યામ ઉપાધ્યાયને રિપોર્ટ કરશે, જેઓ વિવિધ કેસોમાં તપાસની દેખરેખ રાખશે.


હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા


રાજ્યમાં 3 મેના રોજ પહેલીવાર જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. હિંસા ત્યારે ફાટી નીકળી હતી જ્યારે બહુમતી મૈતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું હતું.


મૈતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના લગભગ 53 ટકા હિસ્સો ધરાવે છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસી નાગા અને કુકી સમુદાયો 40 ટકા હિસ્સો ધરાવે છે અને મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.


3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) એ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ રેલી ચૂરચાંદપુરના તોરબંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. મૈતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે.


આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાંજ સુધીમાં સ્થિતિ એટલી બગડી કે સેના અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને ત્યાં તૈનાત કરવામાં આવી.


સીબીઆઈ એક્શનમાં છે


વાસ્તવમાં સીબીઆઈ મણિપુર હિંસા સંબંધિત વધુ 9 કેસોની તપાસ હાથ ધરવા જઈ રહી છે, જેનાથી એજન્સી દ્વારા તપાસ કરવાના કુલ કેસોની સંખ્યા વધીને 17 થઈ જશે. મહિલાઓ સામેના ગુના અથવા જાતીય સતામણી સંબંધિત અન્ય કોઈ કેસ પણ પ્રાથમિકતાના આધારે સીબીઆઈને મોકલી શકાય છે.


સૂત્રોએ અગાઉ એવી પણ માહિતી આપી હતી કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની જોગવાઈઓ સીબીઆઈ દ્વારા તપાસવામાં આવતા ઘણા કેસોમાં લાગુ થઈ શકે છે, જેની તપાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે.