Protest in Manipur:  મણિપુરમાં પાંચ મહિના પહેલા શરૂ થયેલી હિંસાની અસર હજુ પણ દેખાઈ રહી છે. ઈન્ટરનેટ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તણાવને જોતા ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.  જૂલાઈથી ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહોના ફોટોગ્રાફ સોમવાર (25 સપ્ટેમ્બર)ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હિંસા શરૂ થઇ હતી.






વિરોધની શરૂઆત સૌપ્રથમ ઇમ્ફાલમાં થઇ હતી.  સિંગજેઈની શેરીઓમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વિરોધ પ્રદર્શન બુધવારે (27 સપ્ટેમ્બર) ચાલુ રહ્યું હતું. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના જવાનો ઘાયલ થયા હતા.


દેખાવકારોને થયેલી ઈજાઓ અંગે મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું હતું કે  "જો સુરક્ષા દળોએ ગોળીઓ કે કોઈ ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હશે તો સરકાર તેને સહન કરશે નહીં અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે." ગંભીર ઇજાઓના કિસ્સામાં તપાસ હાથ ધરવામાં આવશે અને તેમને ન્યાય અપાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે બદમાશોએ સુરક્ષા દળો પર લોખંડની વસ્તુઓ ફેંકી હતી, જેના કારણે ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.


શું કહ્યું મણિપુર પોલીસ?


મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાત્રે 9.30 વાગ્યે પોસ્ટ કર્યું હતું કે ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને ભીડને વિખેરી નાખી હતી. બેકાબૂ ટોળાએ પોલીસની જિપ્સીને સળગાવી દીધી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, "એક પોલીસકર્મીને પણ માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી હથિયાર છીનવી લેવાયું હતું. મણિપુર પોલીસ આવી કાર્યવાહીની નિંદા કરે છે અને આવા બદમાશો સામે કડક કાર્યવાહી કરશે. હથિયારો રિકવર કરવા અને બદમાશોની ધરપકડ કરવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.


અમિત શાહે સીએમ બિરેન સિંહ સાથે ફોન પર કરી વાત


દરમિયાન, મણિપુરની એન બિરેન સિંહ સરકારે પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને કેસ સીબીઆઈને સોંપ્યો હતો. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે બુધવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી CBIના વિશેષ નિર્દેશક અજય ભટનાગરના નેતૃત્વમાં એજન્સીના અધિકારીઓની એક ટીમ આવી છે. આ ટીમે ગુમ થયેલા બે યુવકોની હત્યા કેસની તપાસ શરૂ કરી છે.


તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું છે કે જેઓએ બંને યુવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી છે તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહે મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે પણ ફોન પર વાત કરી હતી.