Manipur Violence: મણિપુરમાં હિંસા યથાવત છે.આ  દરમિયાન, રાજ્યના તેંગનોઉપલ જિલ્લાના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં વધુ એક જવાન શહીદ થયો છે. આ અગાઉ, એક સૈનિકના શહિદ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.


ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે શહીદ સુરક્ષાકર્મીઓની ઓળખ તખેલંબમ શૈલેશ્વર તરીકે થઈ છે. મણિપુર પોલીસે જણાવ્યું કે અગાઉ શહીદ થયેલા મૃતકની ઓળખ વાંગખેમ સોમરજીત તરીકે થઈ હતી, જે મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો તરીકે તૈનાત હતા.


સોમરજીત ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના માલોમનો રહેવાસી હતો. હકીકતમાં, બુધવારે મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના એક વાહન પર હુમલો કર્યો હતો. ગોળીબારમાં (એન્કાઉન્ટર) ભારતીય રિઝર્વ બટાલિયન (IRB)ના બે જવાન ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ મુખ્યમંત્રી સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.


વાંગખેમ સોમરજીતના પરિવારે શું કહ્યું?
જોઈન્ટ એક્શન કમિટીના પ્રવક્તા એલ પ્રેમચંદે કહ્યું કે વાંગખેમ સોમોરજીતના પરિવારે કહ્યું કે જ્યાં સુધી હુમલાખોરો નહીં પકડાય ત્યાં સુધી તેઓ તેના (સોમોરજીતના) મૃતદેહને નહીં સંભાળે. 


પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે મોરેહ શહેરમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સુરક્ષા દળોએ શંકાસ્પદ કુકી આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. આતંકવાદીઓએ એસબીઆઈ મોરેહ નજીક સુરક્ષા દળોની એક પોસ્ટ પર બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો, જેના પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. આતંકવાદીઓએ અસ્થાયી કમાન્ડો પોસ્ટ પર પણ આરપીજી શેલ છોડ્યા હતા, જેનાથી નજીકમાં પાર્ક કરાયેલા કેટલાક વાહનોને નુકસાન થયું હતું.


પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીની હત્યાના સંબંધમાં રાજ્ય દળોએ સરહદી શહેરમાં બે શકમંદોની ધરપકડ કર્યાના 48 કલાક પછી શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકી પર ગોળીબાર કર્યો હતો.


પોલીસે ગયા વર્ષે ઓક્ટોબરમાં સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) સી આનંદની હત્યાના કેસમાં બે મુખ્ય શકમંદ ફિલિપ ખોંગસાઈ અને હેમોખોલાલ માટેની ધરપકડ કરી હતી. બંનેએ સુરક્ષાકર્મીઓના વાહનો પર ગોળીબાર કર્યો હતો, જે બાદ પોલીસે તેમનો પીછો કરીને તેમને પકડી લીધા હતા.


પોલીસે જણાવ્યું હતું કે બાદમાં બંનેને મોરેહના ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને નવ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. કુકી ઇનપી ટેંગનોપલ (KIT), ચુરાચંદપુર જિલ્લાના સ્વદેશી આદિજાતિ લીડર્સ ફોરમ (ITLF) અને કાંગપોકપી જિલ્લાની આદિજાતિ એકતાની સમિતિ (COTU) એ બંનેની ધરપકડની નિંદા કરી છે.