Manipur Viral Video: મણિપુરમાં બે મહિલાઓને રસ્તામાં ન્યૂડ ફેરવવા અને જાતીય શોષણના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મણિપુર પોલીસે ગુરુવારે (20 જુલાઈ) કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જો કે, હજુ સુધી ધરપકડ કરાયેલ વ્યક્તિ અંગેની વધુ જાણકારી આપવામાં આવી નથી.


સ્થાનિક પોલીસ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ પકડવા પ્રયાસ કરી રહી છે. આ બધાની વચ્ચે વિપક્ષી દળોએ મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ પાસેથી તેમના રાજીનામાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે પણ સિંહને ટાંકીને એન.બિરેન સિંહનું રાજીનામું માંગ્યું છે.






કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે મહિલાઓ સાથે ક્રૂરતાના તાજેતરમાં વાયરલ વીડિયો પર મણિપુરના સીએમ એન બિરેન સિંહ સાથે વાત કરી છે. નોંધનીય છે કે  બુધવારે (19 જુલાઈ)  જાતીય સતામણી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના માટે સતત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી.






સરકારે પગલાં લેવા જોઈએ - સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવતા સપ્તાહે શુક્રવારે આ મામલે સુનાવણી થશે. આ મામલાને લઈને ચીફ જસ્ટિસ  ચંદ્રચૂડે કહ્યું કે, "આ વીડિયો જોઈને અમે ચોંકી ગયા છીએ. હિંસા પ્રભાવિત વિસ્તારમાં મહિલાઓનો સામાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમને એ જાણકારી આપવામાં આવે છે જે લોકો આ માટે જવાબદાર છે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે." ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઘટના કોઈપણ  સમાજ માટે શરમજનક છે અને સમગ્ર દેશનું અપમાન છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાને દેશવાસીઓને ખાતરી આપી હતી કે આ મામલામાં દોષિતોને છોડવામાં નહી આવે અને કડક કાર્યવાહી કરાશે.