Manipur Violence Victim : મણિપુરમાં મહિલાઓ સાથે આચરવામાં આવેલા રાક્ષસી કૃત્યએ સડકથી લઈને સંસદ સુધી ધમાસાણ મચાવ્યું છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કપડા વિના પરેડ કરવામાં આવેલી અને તોડફોડનો ભોગ બનેલી એક મહિલાએ વર્ણવેલી ઘટના સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ખુદ એક પીડિતા જ સામે આવી છે અને તેણે આખી કહાની વ્યક્ત કરી છે. મહિલાએ જણાવ્યું હતું કે, મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થયાના એક દિવસ બાદ જ 4 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં તેના ગામ બી ફાનોમ નજીક તેની સાથે બર્બરતા આચરવામાં આવી હતી.
તેણે કહ્યું હતું કે, જ્યારે ખબર પડી કે મૈતેઈ ટોળું ગામના ઘરોને સળગાવી રહ્યું છે. ત્યારે તેનો પરિવાર અને અન્ય લોકો ભાગી ગયા પરંતુ ટોળાએ તેમને શોધી કાઢ્યા. પીડિતાનો આરોપ છે કે, તેના પાડોશી અને તેના પુત્રને થોડા અંતરે લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટોળાએ મહિલાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું અને તેમને 'અમારા કપડાં ઉતારવા' કહ્યું.
'જો તમારા કપડાં નહીં ઉતારો તો...
40 વર્ષીય પીડિતાએ કહ્યું હતું કે, જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે તેઓએ અમને કહ્યું કે, જો તમે તમારા કપડાં નહીં ઉતારો, તો અમે તમને મારી નાખીશું. પીડિતાએ આગળ ઉમેર્યું હતું કે, તેમણે પોતાને બચાવવા માટે બધા કપડાં ઉતાર્યા. આ દરમિયાન શખ્સોએ તેની સાથે મારપીટ કરી હતી. તેને ખબર નહોતી કે, તેના 21 વર્ષીય પાડોશી સાથે શું થઈ રહ્યું છે કારણ કે તે તેનાથી થોડી દૂર હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ તેને ડાંગરના ખેતરમાં ખેંચી જવામાં આવી અને પુરુષો દ્વારા તેને ત્યાં સૂવા માટે કહેવામાં આવ્યું. ભયાવહ ઘટનાને યાદ કરતા તેણે કહ્યું હતું કે, તેમણે મને કહ્યું તેમ મેં કર્યું. ત્રણ શખ્સોએ મને ઘેરી લીધી... તેમાંથી એકે બીજાને કહ્યું હતું કે, 'ચાલો તેનો બળાત્કાર કરીએ', પરંતુ અંતે તેઓએ એવું તો ના કર્યું. પીડિતાએ કહ્યું હતું કે, તેઓ (પુરુષો) બળાત્કારની હદ સુધી ગયા ના ગયા પણ તેમણે મારી છાતી પકડી.
21 વર્ષની મહિલા સાથે ગેંગરેપ
રિપોર્ટ અનુસાર, મહિલાઓના સંબંધીઓ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર, બાદમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે 18 મેના રોજ સૈકુલ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધી હતી. સૈકુલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓ સામે બળાત્કાર અને હત્યા સહિતના અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ ઘટના 4 મેના રોજ બપોરે બની હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, AK અને ઇન્સાસ રાઇફલ્સ જેવા હથિયારો સાથે કેટલાક અજાણ્યા બદમાશો કાંગપોકપી જિલ્લામાં અમારા ગામમાં ઘૂસી આવ્યા હતા અને ત્યારબાદ ટોળાએ ઘરોને બાળી નાખ્યા હતા અને તોડફોડ કરી હતી. ફરિયાદ મુજબ, ગામના પાંચ રહેવાસીઓ આ ઘટનામાં સામેલ હતા જેઓ પોતાને બચાવવા જંગલ તરફ ભાગી રહ્યા હતા. આ લોકોમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ હતી. ત્રણ લોકો એક જ પરિવારના હતા.
હિંસક ટોળાએ લોકોને પોલીસ કસ્ટડીમાંથી છોડાવીને લઈ ગયું
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, જંગલના માર્ગ પર નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનની ટીમે તેમને બચાવ્યા હતા, પરંતુ સ્ટેશનથી બે કિલોમીટર દૂર તુબુ પાસે, હિંસક ટોળાએ તેમને રસ્તામાં અટકાવ્યા હતા અને પોલીસ ટીમની કસ્ટડીમાંથી છીનવી લીધા હતા. ટોળાએ તરત જ પાંચમાંથી એક 56 વર્ષીય વ્યક્તિની હત્યા કરી નાખી હતી. જ્યારે બાકીની ત્રણ મહિલાઓને બળજબરીથી કપડાં ઉતારવામાં આવ્યા હતા અને ભીડની સામે જ નગ્ન કરવામાં આવી હતી. એક 21 વર્ષીય મહિલા પર ધોળા દિવસે બેરહેમીપૂર્વક સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે મહિલાઓ વિસ્તારના કેટલાક પરિચિતોની મદદથી સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહી હતી.
બહેનને બચાવવા આવેલા નાના ભાઈની હત્યા
ફરિયાદમાં જણાવાયું છે કે, 21 વર્ષીય મહિલાના નાના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળા દ્વારા તેની સ્થળ પર જ હત્યા નિપજાવી દેવામાં આવી હતી. બાદમાં ફરિયાદ નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 4 મેની આ ઘટનાના મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ શરમજનક ઘટનાનો વીડિયો બુધવારે (19 જુલાઈ) સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જેમાં મણિપુરમાં પુરુષોના એક જૂથ દ્વારા બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરી રહ્યા છે અને મહિલાઓ ચોધાર આંસુએ રડી રહી છે અને બચવા માટે આજીજી કરી રહી છે.