Manish Sisodia Bail Hearing: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જોરદાર આંચકો આપ્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન માંગવા ગયેલા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે બરાબરની ઝાટકણી તો કાઢી જ હતી સાથો સાથ જામીન પણ નામંજુર કર્યા હતાં. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી. 


દેશની વડી અદાલતે આ મામલાની સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો અને જામીન માંગવા સિસોદિયાને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. AAP નેતા મનીષ સિસોદિયા હાલ CBI કસ્ટડીમાં છે.


સીજેઆઈએ કહ્યું હતું કે, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન અને અન્ય રાહતની માંગ કરી રહ્યા છો. તમે અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆનો કેસ ટાંક્યો પણ તે કેસ આનાથી સાવ અલગ જ હતો. તમારે જામીન લેવા નીચલી કોર્ટમાં જવું જોઈએ. FIR રદ કરાવવા પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ.


"સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે"


સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું હતું કે, મને માત્ર 3 મિનિટ બોલવા દો. મને (સિસોદિયા)ને માત્ર બે વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા અર્નેશ કુમાર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવ્યું ન હતું. ન તો મારા પર પુરાવા સાથે ચેડા કરવાનો આરોપ છે કે ન તો મારા છટકી જવાની શક્યતા હતી. સીજેઆઈએ કહ્યું હતું કે, આ બાબતો સાચી હોઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી કરી શકે નહીં.


"હાઈકોર્ટમાં જાવ, અમે નહીં સાંભળીએ"


જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે, મામલો દિલ્હીનો છે, તેનો અર્થ એ નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવો. સિંઘવીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની રક્ષક છે. સાથે જ CJIએ વેધક સવાલ કર્યો હતો કે, આ કેસ કઈ કલમમાં આવે છે? સિંઘવીએ જવાબ આપતા કહ્યું હતું કે, આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ આવે છે. તો સીજેઆઈએ કહ્યું હતું કે, તમે જે પણ કહી રહ્યા છો તે હાઈકોર્ટને જણાવો. અમે સાંભળીશું નહીં.


"હાઇકોર્ટના ન્યાયાધીશો વ્યસ્ત છે"


જવાબમાં સિંઘવીએ કહ્યું હતું કે, રોસ્ટર મુજબ જે ન્યાયાધીશ પાસે મામલો હાઈકોર્ટમાં જવાનો છે તે પણ ટ્રિબ્યુનલનું કામ જોઈ રહ્યા છે. જેથી તેઓ વ્યસ્ત છે. તો કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેનું ધ્યાન રાખશે, તેમને કહો. સિંઘવીએ કહ્યું હતું કે, ધરપકડ ખોટી છે. તો સીજેઆઈએ કહ્યું હતું કે, અમે અહીં જ છીએ, પરંતુ પહેલા તમે હાઈકોર્ટમાં જાવ. અમે હવે આ મામલાની સુનાવણી નહીં કરી શકીએ. અરજદારે વૈકલ્પિક કાયદાકીય ઉપાયો અજમાવો.


મનીષ સિસોદિયા સીબીઆઈની કસ્ટડીમાં 


સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું હતું કે, અમે કોર્ટનું સન્માન કરીએ છીએ. અમે હાઈકોર્ટમાં જઈશું. એક્સાઇઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને સોમવારે દિલ્હીની વિશેષ અદાલતે પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય અને માન્ય જવાબો મેળવવા જરૂરી છે અને આ કોર્ટના મતે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ દ્વારા જ આ શક્ય છે.