ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણને લઈને આપેલા નિવેદનનો મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ મામલે દિલ્હીના ડેપ્યૂટી સીએમ અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ પલટવાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે મનિષ સિસોદિયા સોમવારે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ જોવા આવશે. મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબંધતા કહ્યું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી આડકતરી રીતે સ્વિકારે છે કે તેમણે ગુજરાતમાં શિક્ષણ માટે કઈ કર્યું નથી અને કરશે પણ નહીં. અને જેમને અહીં સારુ ન લાગતું હોય તે દિલ્હી ચાલ્યા જાય.


સિસોદિયાએ કહ્યું કે તેમના આ સ્ટેટમેન્ટમાં અહંકાર છે. જુઓ અમે 27 વર્ષથી ગુજરાતની રાજનીતિમાં છીએ અમે કોઈ કામ કર્યું નથી અને કરીશું પણ નહીં. તમારે સારી શિક્ષા જોઈતી હોય તો અમારી પાસે ન માગો બીજે ક્યાંય ચાલ્યા જાવ. તેમણે આગળ કહ્યું કે હુ પોતે સોમવારે ગુજરાતની શાળાની હાલત જોવા ગુજરાત જઈ રહ્યો છું.હું જોવા માગુ છું કે 27 વર્ષમાં તેમણે શિક્ષણમાં કેવુ કામ કર્યુ છે.


ગુજરાત છોડી દેવાના નિવેદન અંગે જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન


રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જો કે, વધતા વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમણે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત છોડી દેવાના જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.


ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરવીએ અમુક લોકોનો સ્વભાવ છે. ગુજરાતને બદનામ કરવાને લઈને કાવતરું કરવાનું આ ષડયંત્ર છે. આ ઉપરાંત મનીષ સીસોદીયાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, સપના જોવાનો બધાને અધિકાર છે. વાઈરલ થયેલી ક્લિપ અંગે તેમણે કહ્યુ કે, મારી વાતના ટૂકડા ટુકડા કરીને બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં દેશ વિરોધી માનસિકતા ચલાવી લેવામાં આવશે નહીં. 


આ ઉપરાંત તેમણે ઢોર નિયંત્રણ બિલને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઈને તકલીફ પડે તો એવું કામ અમે નથી કરવા માંગતા. આજે સીએમ હાઉસ ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે મીટીંગ થઈ છે. યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.