નવી દિલ્હી: આજે પ્રજાસતાક દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મન કી બાત કરી હતી. આજે પ્રજાસત્તાક દિવસ હોવાથી કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યાની જગ્યાએ સાંજે 6 કલાકનો સમય નક્કી કરાયો હતો.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કહ્યું, મારા પ્યારા દેશવાસીઓ આજે 26મી જાન્યુઆરી છે. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આ વર્ષ અને દશકનો આ પહેલો કાર્યક્રમ છે. આજે ગણતંત્ર દિવસના લીધે સમયમાં ફેરફાર કરવો પડ્યો છે. દિવસ બદલાય છે, સમય બદલાય છે, વર્ષ બદલાય છે પરંતુ ભારતના લોકોનો ઉત્સાહમાં કમી નથી. દેશ માટે કંઈક કરવાની ભાવના મજબૂત થતી જાય છે. 2020 ની પ્રથમ ‘મન કી બાત’ કાર્યકમને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે હિંસા એ દેશની કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. તેમણે કહ્યું હિંસક માર્ગનો આશરો લઇને કોઈ સમાધાન લાવી શકાતું નથી.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કહ્યું, આજે આપણે નવા વિષયો પર ચર્ચા કરવા, આપણા દેશવાસીઓની નવીનતમ સિદ્ધિઓની ઉજવણી કરવા અને ભારતની ઉજવણી કરવા માટે મન કી બાત કાર્યક્રમ પર છીએ.

મન કી બાત, શેરીંગ, લર્નિંગ અને ગ્રોઇંગ ટુગેધરનું એક સહજ પ્લેટફોર્મ બની ગયું છે. દર મહિને લોકો તેમના સૂચન શેર કરે છે. તેના પર અમને ચર્ચા અને કામ કરવાનો મોકો મળે છે. ઘણા વર્ષોમાં આપણે નો ટૂ સિંગલ યૂઝ પ્લાસ્ટિક, ખાદી, સ્વચ્છતા, દીકરીઓને સન્માન, કેશલેશ ઇકોનોમી જેવા સંકલ્પોનો જન્મ આપણી ચર્ચામાં થયો.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું, આજે જળ સંરક્ષણની ભાવના વધી રહી છે. તેના માટે ઘણા વ્યાપક અને નવા પ્રયાસો ચાલી રહ્યા છે. છેલ્લા મોનસૂનના સમયે શરૂ કરવામા આવેલું જળ શક્તિ અભિયાન જનભાગીદારીથી આગળ વધી રહ્યું છે. આ અભિયાનમાં સમાજના દરેક વર્ગે તેમનું યોગદાન આપ્યું છે.