પંચતત્વમાં વિલીન થયા મનોહર પાર્રિકર, મોટા દીકરાએ આપી મુખાગ્નિ
abpasmita.in | 18 Mar 2019 06:45 PM (IST)
પણજીઃ ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાર્રિકરના દીકરાઓએ મુખાગ્નિ આપી હતી. પાર્રિકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજકીય સન્માન સાથે મનોહર પાર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાર્રિકરના અંતિમ સંસ્કાર ગોવાના મિરામાર બીચ પર કરવામાં આવ્યા હતા. દરમિયાન જવાનોએ પાર્રિકરને સલામી આપી હતી. નોંધનીય છે કે આ અગાઉ મનોહર પર્રિકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાર બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદીએ મનોહર પાર્રિકરના પુત્રો સાથે સાંત્વના પાઠવી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. તે સિવાય ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પાર્રિકરને શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે મનોહર પર્રિકર પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. પર્રિકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી. હરિયાણા સરકારે પાર્રિકરના નિધન પર એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી.