Manoj Jarange Maratha Reservation Protest: મહારાષ્ટ્રના જાલનામાં મનોજ જરાંગેએ અંતરવાલી સરાતીમાં ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અંતરવાળીમાં મનોજ પાટીલનું આ ચોથું આંદોલન છે. ઉપવાસ પર બેઠા પછી મનોજ જરાંગે પાટીલે આરોપ લગાવ્યો છે કે "સરકાર આંદોલન તોડવા માંગે છે. હું તેમને કહેવા માંગુ છું કે આપણે રાજનીતિ ન કરવી જોઈએ."
મનોજ જરાંગેએ ચેતવણી આપી હતી કે, "જો સરકાર વટહુકમનો અમલ નહીં કરે તો અમે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરીશું." મનોજ જરાંગે પાટીલે કહ્યું કે હું મારા નિર્ણય પર અડગ છું. હું મરાઠા સમુદાયને શાંતિ જાળવવા વિનંતી કરું છું. જરાંગેએ કહ્યું કે સરકારે સગા સંબંધીઓ અંગે વટહુકમ બહાર પાડ્યો છે, તેને લાગુ કરવા માટે આ ઝડપી આંદોલન છે.
જરાંગે કુણબીને મરાઠા તરીકે ઓળખવા માટે કાયદો બનાવવાની પણ માંગ કરી છે. જરાંગે મહારાષ્ટ્રના જાલનામાં સવારે 10.30 વાગ્યે આંદોલન શરૂ કર્યું. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓએ આને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ મરાઠાઓને અન્ય પછાત સમુદાય (ઓબીસી) દરજ્જો આપવા અને પાત્ર કુણબી મરાઠાઓના રક્ત સંબંધીઓને પ્રમાણપત્રો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની શરૂઆતમાં જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનના અમલની માંગ કરી રહ્યા છે.
કુણબી એક કૃષિ જૂથ છે જે OBC કેટેગરીમાં આવે છે અને જરાંગે માંગણી કરી છે કે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવામાં આવે, જેથી તેઓ ક્વોટા લાભ માટે પાત્ર બની શકે. આરક્ષણ આંદોલનના ચહેરા જરાંગેએ કહ્યું કે જ્યાં સુધી મરાઠા આરક્ષણ નહીં મળે ત્યાં સુધી હું હાર માનીશ નહીં. તેમણે રાજ્ય સરકાર પર અંતરાવલી સરાતીના રહેવાસીઓને ભડકાવીને વિરોધ રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે મનોજ જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જો કે મનોજ જરાંગે પાટીલ તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નહોતુુ, પરંતુ બાદમાં તેમણે જાહેરાત કરી હતી કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને ઉપવાસ અને પ્રદર્શન સમાપ્ત થઈ ગયા છે. ફરી એક વખત મનોજ જરાંગે પાટીલ ભૂખ હળતાળ પર બેસતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં મરાઠા આરક્ષણને લઈને હિંસા ફાટી નીકળી હતી. તે સમયે જરાંગે પણ ઉગ્ર આંદોલન કર્યું હતું. જેના કારણે રાજ્યની શિંદે સરકાર મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ હતી.