નવી દિલ્હીઃ તમે પોસ્ટ સેવાઓ સંબંધિત તમારી ફરિયાદ હવે 1924 નંબર પર ફોન કરીને નોંધાવી શકો છો જે નિઃશુલ્ક નંબર છે. સરકારે પોસ્ટ સંબંધિત ફરિયાદ માટે એક મહિના પહેલા ટ્વીટર સેવા શરૂ કર્યા બાદ હવે પોસ્ટ સંબંધિત ફરિયાદ કરવા માટે આ સુવિધા શરૂ કરી છે.


આ સેવા શરૂમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 કલાક સુધી ચાલુ રહેશે. તેમાં હિન્દી, અંગ્રેજી અને મલયાલમ ભાષામાં ફરિયાદ કરી શકાશે. ત્રણ મહિનામાં આ સેવાનું વિસ્તરણ અન્ય ભાષાઓમાં કરવામાં આવશે. ફરિયાદ પોસ્ટ ભવનમાં એક કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રાહકસેવા કેન્દ્રમાં આવશે અને ફરિયાદકર્તાને 11 આંકડાનો એક ફરિયાદ નંબર આપવામાં આવશે.

ટેલીકોમ પ્રધાન મનોજ સિન્હાએ આ સેવાનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વિભાગોને જાહેર ફરિયાદ નિવારણ સિસ્ટમને મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે તે અંતર્ગત બે ઓગસ્ટથી ટ્વીટર સેવા શરૂ કર્યા બાદ 1942 ટોલ ફ્રી નંબરની આ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રધાને કહ્યું કે, નીતિગત મામલને છોડીની અન્ય ફરિયાદનું નિરાકરણ 24 કલાકની અંદર કરવામાં આવશે.

પોસ્ટ વિભાગ પોતાના તમામ પોસ્ટ સર્કલમાં એક મુખ્ય અધિકારીની નિમણૂંક કરશે જે ફરિયાદનું નિરાકરણ લાવશે. સિન્હાએ જણાવ્યું કે, ટ્વિટર સેવા પર રોજ સરેરાશ 100 ફરિયાદ મળી રહી છે. તેમાંથી 97 ટકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. પોસ્ટ વિભાગના સચિવ બી વી સુધાકરે કહ્યું કે, જરૂર પડશેતો આ સિસ્ટમ માટેના સમયગાળામાં વધારો કરવામાં આવ શકે છે.