નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામું આપવાની ઓફર કરી છે. જોકે, ભાજપ હાઇકમાન્ડે મનોજ તિવારીને પદ પર રહેવા માટે કહ્યું છે. મનોજ તિવારીએ દિલ્હીમાં 48 બેઠકોનો દાવો કર્યો હતો પરંતુ ભાજપ ફક્ત આઠ બેઠકો જીતી શકી છે.
સૂત્રોના મતે ભાજપ હાઇકમાન્ડે મનોજ તિવારીના રાજીનામા આપવાની ઓફરને ફગાવી છે કારણ કે દિલ્હી વિધાનસભામાં ચૂંટણીના કારણે ભાજપ સંગઠનની ચૂંટણીને ટાળી દીધી હતી. હવે સંગઠન ચૂંટણી બાદ નવા પ્રદેશની નિમણૂક કરવામાં આવશે. મનોજ તિવારીએ હારની જવાબદારી સ્વીકારી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની રહી હતી. મનોજ તિવારી રિઝલ્ટ અગાઉ કહેતા હતા કે ભાજપને બહુમત મળશે. પરંતુ પરિણામના દિવસે મનોજ તિવારીનો આ દાવો ખોટો પડ્યો હતો. દિવસના અંતે તેમણે હાર સ્વીકારી હતી અને કેજરીવાલને અભિનંદન આપ્યા હતા.
આ અગાઉ આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન બાદ જ્યારે એક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીના પક્ષમાં આવ્યા હતા પરંતુ મનોજ તિવારીએ એક્ઝિટ પોલને નકાર્યા હતા અને ટ્વિટ કર્યું હતું કે, આ તમામ એક્ઝિટ પોલ ખોટા પડશે. મારું ટ્વિટ સાચવીને રાખજો. ભાજપ દિલ્હીમાં 48 બેઠકો લઇને આવશે. મહેરબાની કરી ઇવીએમને દોષ આપવા માટે અત્યારથી બહાના ના શોધો.