નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં વેક્સિનેશનને લઈને ઘણી વખત સરકારે આડે  હાથ લેતા હોય છે. કોરોનાકાળમાં રાહુલ ગાંધીએ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને વેક્સિનેશનને લઈ મોદી સરકાર પર અવારનવાર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે હવે  વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધી અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા વચ્ચે  ટ્વિટર વોર શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ વેક્સિનેશન પર કરેલા ટ્વિટનો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે ભારતમાં જુલાઈ મહિનામાં 13 કરોડથી વધુ રસી અપાઈ છે. આ મહિને તેનાથી પણ ઝડપી રસીકરણ થશે. આ ઉપલબ્ધી માટે અમને સ્વાસ્થ્યકર્મીઓ પર ગર્વ છે. હવે તો એમના પર દેશ અને આપને પણ ગર્વ હોવો જોઈએ. 

મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી પર વ્યંગ કરતા લખ્યું કે 13 કરોડ લોકોએ રસી લીધી એમાંથી એક આપ પણ છો પરંતુ આપણા વૈજ્ઞાનિકો માટે એક શબ્દ પણ નથી કહ્યો. જનતાને વેક્સિન લગાવવા માટે અપીલ પણ નથી કરી. મતલબ કે આપ વેક્સિનેશન પર તુચ્છ રાજનીતિ કરી રહ્યા છો. ખરેખર વેક્સિનની નહીં પરંતુ આપનામાં પરિપક્વતાની અછત છે. 

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા પાંચ જ દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3,16,55,764એક્ટિવ કેસઃ 4,11,043કુલ રિકવરીઃ 3,08,20,521કુલ મોતઃ 4,24,351

કેટલા ડોઝ અપાયા

 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 46 કરોડ 15 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

  દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.