નવી દિલ્હી: મરાઠા આંદોલનના બે વર્ષ પૂર્ણ થવા પર મહારાષ્ટ્રમાં ગુરુવારે બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઈને ફડણવીસ સરકાર એલર્ટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મરાઠા આંદોલનને બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ અવસર પર મરાઠા સંગઠનોએ મહારષ્ટ્રમાં બંધનું એલાન કર્યું છે.


આંદોલનમાં સામાન્ય વ્યક્તિને મદદની અપીલ કરવામાં આવી છે. રલી અને નવી મુંબઈને બંધથી બાકાત રાખવામાં આવી છે. જેના પાછળનું કારણ ગત વખતે થયેલી હિંસાને માનવામાં આવે છે. રાજ્યમાં સરકારી કર્મચારીએ ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી દીધી છે. ગુરુવારે મરાઠા આંદોલનનો અંતિમ દિવસ છે અને આ મરાઠા આંદોલનકારીઓએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં છેલ્લા 21 દિવસથી હિંસાત્મક આંદોલન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, મરાઠા સમાજ 16 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. આ સમાજ પછાત વર્ગની જેમ સરકારી નોકરી, શિક્ષણ ક્ષેત્રમાં પણ અનામતની માંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી મહારાષ્ટ્રમાં આ આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 60થી વધુ જગ્યા પર આંદોલન થયું છે. મહારાષ્ટ્રમાં મરાઠા આબાદી 33 ટકા છે એવામાં કોઈ પણ સરકાર આ સમાજને નારાજ કરી શકે તેમ નથી. આ આંદોલનનું નેતૃત્વ મરાઠા ક્રાંતિ મોર્ચા હેઠળ થઈ રહ્યું છે.