Maratha Reservation : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનને ઉશ્કેરવા બદલ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. મરાઠા આંદોલનકારીઓ સામે કેસ નોંધવા અંગે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને માહિતી આપતી વખતે, મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે "મરાઠા અનામતને લઈને સમગ્ર રાજ્યમાં પ્રદર્શનો થયા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક દેખાવો હિંસક પણ બન્યા હતા. જેના કારણે રાજ્યની સરકારી મિલકતોને નુકસાન થયું છે.
આ મામલામાં મહારાષ્ટ્રના ડીજીપી શેઠે કહ્યું કે 29-31 ઓક્ટોબરની વચ્ચે સંભાજી નગરમાં 54 કેસ નોંધાયા હતા અને 106ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીડમાં આઈપીસીની કલમ 307 હેઠળ 7 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં 24-31 ઓક્ટોબર વચ્ચે 141 કેસ નોંધાયા છે અને 168 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે રાજ્યમાં મરાઠા આંદોલનને કારણે 12 કરોડ રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે. અગાઉ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હિંસક આંદોલન ચલાવી રહેલા વિરોધીઓને ચેતવણી આપી હતી કે હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠાઓનું જોરદાર વર્ચસ્વ છે. રાજ્યમાં આ સમાજની વસ્તી 30 ટકાથી વધુ છે. મરાઠા અનામતની માંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટોળાએ પૂર્વ મંત્રી અને બે ધારાસભ્યોના નિવાસસ્થાન અને ઓફિસોને આગ ચાંપી દીધી હતી. આ મામલે ઘણા ધારાસભ્યો અને સાંસદોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મનોજ જરાંગે પાટીલ મરાઠા અનામતને લઈને આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને બુધવાર (01 નવેમ્બર) સુધી માંગણીઓ પૂરી કરવા માટે સમય આપ્યો છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. અગાઉ 2018માં અનામતને લઈને આંદોલન થયું હતું. જે બાદ સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું હતું.