Marriage Age Limit : લગ્નની લઘુત્તમ ઉંમર એક સમાન કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને બરતરફ કરવામાં આવ્યો છે. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ સુધી વધારવા સંબંધિત તમામ કેસ, જે વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવા કહ્યું હતું.


છોકરો હોય કે છોકરી તમામની લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ કરવાની વિનંતી કરવામાં આવી છે. જેમાં લગ્નની લઘુત્તમ ઉંમર એકસમાન અને લિંગ તટસ્થ હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલે કે દેશના તમામ નાગરિકોની લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી ટ્રાન્સફર પિટિશનમાં અશ્વિની ઉપાધ્યાયે કહ્યું છે કે, છોકરા અને છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું ક, રાજસ્થાન હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં આ અંગેના કેસ પેન્ડિંગ છે. જો અલગ-અલગ કોર્ટમાં કેસ હોય અને તેઓ અલગ-અલગ મંતવ્યો ધરાવતા હોય તો કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવો વધુ યોગ્ય રહેશે.


આ મામલો અનેક કોર્ટમાં પેન્ડિંગ 


સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર ઉપાધ્યાયના વકીલ ગીતા લુથરાએ કોર્ટને કહ્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટની સાથો સાથ રાજસ્થાન હાઈકોર્ટમાં પણ કેસ પેન્ડિંગ છે. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે ગયા વર્ષે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને લગ્નની ઉંમર સમાન બનાવવાની અરજી કરી હતી. ઉપાધ્યાયની અરજી પર હાઈકોર્ટે કેન્દ્ર અને કાયદા પંચને નોટિસ પાઠવી હતી. હાઈકોર્ટે ભાજપના નેતા અશ્નિની ઉપાધ્યાયની અરજી પર 19 ઓગસ્ટ 2019ના રોજ નોટિસ જારી કરી હતી. દરમિયાન, 5 ફેબ્રુઆરી 2020ના રોજ, રાજસ્થાન હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરવામાં આવી હતી.


આ કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર રાજસ્થાન હાઈકોર્ટે કેન્દ્ર અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. ત્યાર બાદ હવે અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર પિટિશન દાખલ કરીને કહ્યું છે કે, કેસ અલગ-અલગ હાઈકોર્ટમાં હોવાથી અલગ-અલગ અભિપ્રાય આવી શકે છે. જેથી કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થવો જોઈએ. ત્યાર બાદ રાજસ્થાન સરકારના વકીલ મનીષ સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે, રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસનો નિકાલ થઈ ગયો છે અને કેસને રદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે, અમે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરીએ છીએ.


હાલ લગ્નની ઉંમર કેટલી?


હાલમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું છે કે, કાયદા પંચે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, છોકરી અને છોકરાની ઉંમરમાં તફાવતનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. લગ્નની લઘુત્તમ વયમાં તફાવત મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરફ દોરી જાય છે. બંધારણના સમાનતાના અધિકાર અને સ્વતંત્રતા સાથે જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. વાત દુનિયાના ટ્રેન્ડની છે તો 125 દેશોમાં છોકરા-છોકરીના લગ્નની ઉંમર એક સરખી જ છે.


અરજદારે કહ્યું હતું કે, છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ નિર્ધારીત કરવામાં આવી છે અને જ્યારે છોકરીઓ તેમનો શાળાનો અભ્યાસ પૂરો કરે તે સમયગાળા દરમિયાન તેઓ 18 વર્ષની નજીક પહોંચી જાય છે અને ત્યાર બાદ જ તેમના લગ્ન કરી દેવામાં આવે છે. લગ્ન બાદ જ આ છોકરીઓ પાસેથી એવી પણ આશા રાખવામાં આવતી હોય છે કે તેમના બાળકો પણ હોય. આ પ્રકારની પરંપરાને કારણે તેમના શિક્ષણ અને લેખન પર વિપરીત અસર થાય છે.


આ રીતે લગ્ન અને બાળકના સામાજિક દબાણને કારણે મહિલાઓ તેમના અધિકારોથી વંચિત રહી રહી જાય છે. જો મહિલાઓની લગ્નની લઘુત્તમ ઉંમર વધારવામાં આવે તો તે તેમને સ્વાયત્તતા આપશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, 20 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ માતા બનવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. પુરૂષો માટે લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ રાખવામાં આવી છે જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને આ સ્થિતિમાં મહિલાઓને પણ આ અધિકાર મળવો જોઈએ અને તેમના પર લગ્નની તલવાર લટકવી જોઈએ નહીં.