જયપુરઃ દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોના વેપાર ધંધા ભાંગી ગયા હતા. હજારો લોકોની નોકરી જતી રહી હતી. નોકરી-ધંધાની ચિંતામાં આ દરમિયાન લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આવી જ વધુ એક ઘટના રાજસ્થાનના જયપુરમાં બની છે.


ગુલાબી નગરી જયપુરમાં લોકડાઉનને કારણે આર્થિક ભીંસનો સામનો કરી રહેલા એક જ કુટુંબની ચાર વ્યક્તિએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. કાનોતા પોલીસ મથક વિસ્તારના જામડોલી વિસ્તારમાં આ ઘટના સામે આવ્યા પછી સનસનાટી ફેલાઈ ગઈ હતી. સામૂહિક આત્મહત્યાની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અધિકારી અને એસએફએલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સામૂહિક આત્મહત્યા કરનારા મૃતકોના નામ યશવંત સોની ઉંમર 45 અને તેની પત્ની મમતા સોની ઉંમર 41 વર્ષ, પુત્રો અજિત સોની 23 વર્ષ અને ભારત સોની ઉંમર 20 વર્ષ હોવાનું સામે આવ્યું છે.  પરંતુ પોલીસને પ્રથમ દૃષ્ટિએ આ આત્મહત્યાની ઘટના હોવાનું લાગે છે. જોકે પોલીસ તમામ શક્યતાને ચકાસી રહી છે.



મળતી જાણકારી મુજબ પરિવાર ઝવેરાત બિઝનેસમાં કામ કરતું હતું. કુટુંબે વ્યાજ પર મોટી રકમ મેળવેલી હતી. એક તરફ લોકડાઉનને કારણે કુટુંબની આર્થિક સ્થિતિ વધુ વણસી અને બીજી તરફ વ્યાજ માફિયા કુટુંબને ધમકી આપવા લાગ્યા. પરિવારે આખરે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે હાલમાં વ્યાજ માફિયાની ધરપકડ કરી છે.

સોની પરિવારે આર્થિક ભીંસના કારણે સામુહિક આત્મહત્યા કરી છે કે અન્ય કારણોથી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ આ પરિવાર અલવરનો રહેવાસી હતો અને પાંચ વર્ષથી જયપુરમાં સોનીનું કામ કરતો હતો.

મૃતકના નાના દીકરાએ બે દિવસ પહેલા નીટની પરીક્ષા આપી હતી અને મોટા પુત્રએ કોઈ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ