નવી દિલ્હી: સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાના ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. કંપનીના કહેવા પ્રમાણે 45 લાખ મુસાફરોના ડેટાને અસર થઈ છે. કંપનીએ કહ્યું કે, તેમાં ગ્રાહકોની વ્યક્તિગત વિગતો, નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયન્સ, એર ઇન્ડિયા ફ્રીક્વન્ટ ફ્લાયર ડેટા (પાસવર્ડ ડેટા પ્રભાવિત નથી થયા) અને ક્રેડિટ કાર્ડની માહિતી શામેલ છે.


એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ડેટા બ્રીચની આ ઘટના 26 ઓગસ્ટ 2011 થી 3 ફેબ્રુઆરી 2021 ની વચ્ચે બની છે. ક્રેડિટ કાર્ડ અંગે કંપનીએ કહ્યું કે અમારા ડેટા પ્રોસેસરો પાસે સીવીવી / સીવીસી નંબર હોતા નથી. બાદમાં અમારા ડેટા પ્રોસેસરે આ વાતની ખાતરી કરી કે પ્રભાવિત સર્વર પર કોઈ પણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળી નથી.


એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તાત્કાલિક તેની તપાસ કરવામાં આવી. પ્રભાવિત સર્વરો સુરક્ષિત હતા. ક્રેડિટ કાર્ડ જારી કરનારાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ એર ઇન્ડિયા એફએફપી પ્રોગ્રામનો પાસવર્ડ ફરીથી સેટ કરવામાં આવ્યો હતો.