Nagaland Landslide Video: નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેદિમામાં મંગળવારે (4 જુલાઈ) ના રોજ ભૂસ્ખલનના કારણે પર્વત પરથી વિશાળ પથ્થર રસ્તા પર ઉભેલી કાર પર પડ્યો હતો જેના કારણે કાર કચડાઇ ગઇ હતી જ્યારે નજીકમાં ઉભેલી બીજી કાર પણ પથ્થરના કારણે પલટી ગઇ હતી.






જે કાર પર પહેલા પથ્થર પડ્યો હતો તેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો પાંચ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વિચલિત કરી શકે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે આ વાયરલ વીડિયોની પુષ્ટી કરી છે.


નાગાલેન્ડના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો


આ ભયાનક ઘટના રોડ પર પાછળ ઉભેલા અન્ય વાહનના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, "આજે સાંજે લગભગ 5 વાગ્યે દીમાપુર અને કોહિમા વચ્ચે નેશનલ હાઈવે પર ખડક પડતા 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા." આ સ્થળને 'પકાલા પર્વત' તરીકે ઓળખાય છે જે ભૂસ્ખલન અને પથ્થરો પડવા માટે જાણીતી છે.


રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરશે.


અન્ય એક ટ્વિટમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઇમરજન્સી સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર તમામ પગલાં ઉઠાવી રહી છે." દરેક મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને જરૂરી તબીબી સહાય અને મદદ પૂરી પાડવામાં આવશે.


આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર હાઈવે પર જ્યાં પણ જોખમી સ્થળો છે ત્યાં સુરક્ષા માળખામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી પ્રયાસો ચાલુ રાખશે.


નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ રાજ્યના નાગરિકોના જીવન અને સલામતી સાથે સંબંધિત છે, તેથી સંબંધિત એજન્સીએ જરૂરી સુરક્ષા માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડશે. તેમણે કહ્યું કે દેશમાં ટેકનોલોજીની પ્રગતિ અને ભારત સરકાર પાસે ઉપલબ્ધ સંસાધનો સાથે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.