ન્યુયોર્કઃ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન્સમાંથી એક ‘ફોર્બ્સ’ દ્વારા ભારતની ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદી બહાર પડાઈ છે. આ લિસ્ટમાં માત્ર 4500 રૂપિયાની પગારદાર ભારતીય યુવતીનો સમાવેશ કરીને તેના કામની કદર કરાઈ છે. દુનિયાની ‘સૌથી પાવરફુલ મહિલા’ઓના લિસ્ટમાં ઓરિસ્સાની આદિવાસી આશા વર્કર માતિલતા કુલ્લુનો સમાવેશ કરાયો છે. માતિલતા સુંદરગઢ જિલ્લાના ગર્ગડબહલ ગામમાં 2005થી આશા વર્કરનું કામ કરી રહી છે.
માતિલતાનો ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમા સમાવેશ કરાયો તેનું કારણ એ છે કે, 45 વર્ષીય માતિલતાએ આ ગામમાંથી કાળા જાદુ સહિતની અંધશ્રદ્ધાનો જડમૂળમાંથી નાશ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. માતિલતાના આ મોટા યોગદાન બદલ ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં સ્થાન મળ્યું છે.
લગ્ન બાદ પતિ અને બે બાળકો સાથે તેઓ બડગામના ગડગડબહાલમાં રહે છે. 15 વર્ષથી તે આ ગામમાં આશાવર્કર તરીકે કામ કરી રહ્યા છે. 45 વર્ષીય માતિલતાએ સ્વાસ્થ્ય સેવા સામાન્ય લોકો સુધી પહોંચાડવા અને ક્ષેત્રમાં અંધવિશ્વાસ સાથે જાતિવાદને દૂર કરવામાં પણ ખૂબ પ્રયાસ કર્યો છે.ગામના જો કોઈની તબિયત ખરાબ હોય તો તેઓ દવા લેવા માતિલતાના ઘરે આવે છે. ગર્ભવતી મહિલાઓની મદદ માટે અડધી રાતે પણ ઊભા થઈને ભાગવું પડે છે. કોરોનાની શરૂઆતમાં આશા વર્કર્સે વધારે કલાક કામ કર્યું.
દરરોજ ઘરે ઘરે જઇને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવી, લોકોને અંધવિશ્વાસથી દૂર કરવા અને સ્વાસ્થ્ય સેવાઓને અપનાવવા માટે જાગરૂક કર્યા છે. ગામના 964 લોકોની દેખરેખ કરવી તેમની જવાબદારી છે. ઘરે ઘરે જઇને તેમની સંભાળ રાખે છે. ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ લઇ જવી અને માતા અને બાળકોની દેખરેખ રાખવા સહિતની પણ તેઓ જવાબદારી સંભાળે છે.
આશાવર્કરની આ નોકરીમાંથી તેઓને દર મહિને ફક્ત 4500 રૂપિયા મળે છે. ફોર્બ્સ ઇન્ડિયા માટે નવેમ્બર મહિનામાં તેઓને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને તેઓએ પોતાના કાર્યક્રમો સંબંધિત જાણકારી આપી હતી. માતિલતાના કામ બદલ તેને ફોર્બ્સમાં ઇન્ડિયાની પાવરફુલ વીમેન લિસ્ટમાં સ્થાન મળ્યું. આ લિસ્ટમાં ફેમસ બેન્કર, એક્ટ્રેસ અને બિઝનેસવીમેન પણ સામેલ છે.