લખનઉઃ એસસી-એસટી એક્ટને લઇને છ સપ્ટેમ્બરના રોજ સવર્ણોના ભારત બંધને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે, આ લોકોની ખોટી ધારણા છે કે એસટી-એસસી એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માયાવતીએ કહ્યું કે, મારી પાર્ટી આ વિચારથી સહમત નથી. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, બીજેપી અને આરએસએસ ખરાબ રાજનીતિ કરી રહી છે અને તેમના દ્ધારા શાસિત રાજ્યોમાં સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે. આ મામલામાં બીજેપી કાવતરુ કરી રહી છે અને રાજકીય સ્વાર્થ માટે તેનો વિરોધ કરી રહી છે.
માયાવતીએ કહ્યું કે, દેશમાં બીજેપીનો જનાધાર ઓછો થઇ રહ્યો છે. બીજેપી એસસી-એસટી એક્ટ સાથે છેડછાડ કરી રહી છે. વાસ્તવમાં આરએસએસની માનસિકતા જાતિવાદી અને બીજેપીની નીતિઓ એસસી-એસટીના વિરોધી છે. બીજી તરફ બીજેપી આ એક્ટથી નારાજ સવર્ણોને મનાવવામાં લાગી છે.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટમાં સંસદમાં સંશોધનની સમીક્ષા કરવામાં આવશે નહી. કાયદામાં ફેરફારની માંગ કરી રહેલા લોકોએ એસસી-એસટીને લઇને પોતાના વ્યવાહરમાં બદલાવ લાવવો જોઇએ, તેમની સાથે સારી રીતે રહેવું જોઇએ.