નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમ માયાવતીએ એક મોટી કાર્યવાહી કરતા તેમના ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દિધા છે. માયાવતીએ ગઈકાલે (2 માર્ચ) આકાશ આનંદને પાર્ટીના તમામ મહત્વપૂર્ણ પદો પરથી હટાવી દીધા હતા. હવે BSP ચીફ માયાવતીએ X પર પોસ્ટ કરીને આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કરવાની જાણકારી આપી છે.
BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કરી અને લખ્યું - "ગઈકાલે BSPની અખિલ ભારતીય બેઠકમાં, આકાશ આનંદને તેના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં રહેવાના કારણે રાષ્ટ્રીય સંયોજક સહિતની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેનો તેણે પશ્ચાતાપ કરી પોતાની પરિપક્વતા દર્શાવવાની હતી."
પૂર્વ સીએમએ આગળ લખ્યું - "પરંતુ તેનાથી વિપરિત આકાશ દ્વારા આપવામાં આવેલ વિગતવાર જવાબ તેના પસ્તાવો અને રાજકીય પરિપક્વતાનો નહીં, પરંતુ તેના સસરાના પ્રભાવ હેઠળ મોટાભાગે સ્વાર્થી, ઘમંડી અને ગૈર-મિશનરી છે, જેનાથી બચવાની સલાહ હું પાર્ટીના આવા તમામ લોકોને આપવાની સાથે સજા પણ આપતી રહી છું."
તેમણે લખ્યું - "તેથી, પરમ આદરણીય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના આત્મ-સમ્માન અને સ્વાભિમાનની મૂવમેન્ટના હિતમાં તેમજ આદરણીય કાંશીરામની અનુશાસનની પરંપરાને અનુસરીને આકાશ આનંદને તેમના સસરાની જેમ પક્ષ અને આંદોલનના હિતમાં પાર્ટીમાંથી હટાવવામાં આવે છે."
સસરા અશોક સિદ્ધાર્થ જવાબદાર હોવાનું જણાવાયું હતું
તમને જણાવી દઈએ કે 2 માર્ચ (રવિવારે) લખનઉમાં BSPની રાષ્ટ્રીય સ્તરની બેઠક બાદ માયાવતીએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાર્ટીના હિતમાં આકાશ આનંદને તેની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી માટે પાર્ટી નહીં પરંતુ તેના સસરા અશોક સિદ્ધાર્થ સંપૂર્ણપણે જવાબદાર છે.
આકાશ આનંદે X પર કરી હતી પોસ્ટ
આકાશ આનંદે સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, હું પરમપૂજ્ય આદરણીય બહેન કુ. માયાવતી જીની કેડર છું, અને તેમના નેતૃત્વમાં મેં ત્યાગ, વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે, આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનનો ઉદેશ્ય છે. આદરણીય બહેનજીનો દરેક નિર્ણય મારા માટે પથ્થરની લકીર સમાન છે, હું તેમના દરેક નિર્ણયનું સન્માન કરું છું અને તે નિર્ણય સાથે ઉભો છું.