સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બાદ હવે બસપા સુપ્રીમો માયાવતીએ એટીએસના ઓપરેશન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું ચૂંટણી પહેલા જ આવું કેમ થાય છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવ્યા પર આ પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા પેદા કરે છે.
માયાવતીએ ટ્વિટર પર લખ્યું કે યૂપી પોલીસનું લખનઉમાં આતંકી કાવતરાનો ભાંડાફોન અને આ મામલે ધરપકડ કરવામાં આવેલા બે લોકોના તાર અલકાયદા સાથે જોડાયેલા હોવાનો દાવો જો સાચો હોય તો આ ગંભીર મામલો છે અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આમાં કોઈ રાજકારણ ન થવું જોઈએ જેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુપીની રાજધાની લખનઉમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને એક પ્રેસર કૂકર બોંબ સાથે 2 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. એટીએસનો દાવો છે કે અલકાયદાના આતંકીઓ લખનઉ અને યુપીના બીજા વિસ્તારોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. ભાજપના ઘણા નેતાઓ તેમના નિશાન પર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એટીએસના સૂત્રો મુજબ, આતંકીઓના નિશાન પર ભાજપના મોટા નેતા હતા. કાકોરી વિસ્તારમાં જે જગ્યાએ ઘર છે તેની નજીકમાં જ ભાજપ સાંસદ કૌશલ કિશોરનું ઘર છે, જેને હાલમાં જ કેંદ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા કાકોરીની હાજી કોલોનીમાં સૈફુદ્દીન સૈફીને પોલીસે ઠાર કર્યો હતો. માર્ચ 2017માં અંદાજે 12 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવ્યા પર જ આ પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા પેદા કરે છે. જો આ કાર્યવાહી પાછળ સત્ય છે તો પોલીસ આટલા દિવસ સુધી કેમ જાણબહાર હતી. આ એ સવાલ છે જે લોકો પૂછી રહ્યા છે. એટલે સરકાર એવી કોઈ કાર્યવાહી ન કરે જેનાથી જનતા વચ્ચે બેચેની વધે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કાલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ધરપકડને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. અખિલેશે કહ્યું હતું કે તેને યૂપી પોલીસ પર ભરોસો નથી.