MCD Election Result 2022 Udpate: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ 250 વોર્ડમાંથી 134 સીટો પર જીત મેળવી છે. MCD બાદ હવે લોકોની નજર ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. એક્ઝિટ પોલના પરિણામો અને MCDના પરિણામોમાં જે તફાવત જોવા મળ્યો છે તેવો તફાવત હિમાચલ અને ગુજરાતમાં યથાવત રહેશે તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. એક્ઝિટ પોલના પરિણામોની સરખામણીએ MCDના પરિણામોમાં AAPની બેઠકો ઘટી છે, જ્યારે ભાજપની બેઠકો વધી છે.


MCDની ચૂંટણીને લઈ આજતક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં બીજેપીને 69-91 બેઠકોની આગાહી કરવામાં આવી હતી, જ્યારે AAPને 149-156 બેઠકો આપવામાં આવી હતી. જ્યારે ટાઇમ્સ નાઉ ઇટીજીના એક્ઝિટ પોલમાં ભાજપને 84-94 બેઠકો મળતી દર્શાવાઈ હતી જ્યારે AAPને 146થી 156 બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્ડિયા ન્યૂઝ જન કી બાતમાં બીજેપીને 70-92 સીટો આપવામાં આવી હતી, જ્યારે AAPને 150 થી 175 સીટો મળવાની આગાહી કરવામાં આવી હતી. TV9 ઓન ધ સ્પોટમાં ભાજપને 94 અને AAPને 145 બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી હતી. તો ઝી ન્યૂઝ BARCના એક્ઝિટ પોલમાં ભાજપને 82-94 બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી હતી, જ્યારે AAPને 134-146 બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી હતી. જો પોલ ઓફ પોલ્સની વાત કરવામાં આવે તો ભાજપને 86 બેઠકો મળવાની ધારણા હતી જ્યારે AAPને 151 બેઠકો મળશે તેવો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તમામ એક્ઝિટ પોલ અને ચૂંટણીના વાસ્તવિક પરિણામોની સરખામણી કરીએ તો ભાજપને 20-25 બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે AAPએ લગભગ એટલી જ બેઠકોનું નુંકશાન થયું છે.


હવે જો ગુજરાત અને હિમાચલના એક્ઝિટ પોલને લઈને પણ આવું જ થાય તો ચિત્ર બદલાઈ શકે છે. ગુજરાતમાં જો એક્ઝિટ પોલ કરતા 20-25 બેઠકો આમ તેમ થઈ તો રેકોર્ડ તોડવાની તેની રણનીતિને મોટો ફટકો પડી શકે છે. તેવી જ રીતે હિમાચલમાં પણ જો થોડુકેય ગણિત ગડબડ થયું અને ભાજપની સીટો ઘટી તો ત્યાં કોંગ્રેસ બાજી મારી શકે છે.


તો ગુજરાતમાં ભાજપને લાગી શકે છે આંચકો


ગુજરાતમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનશે તેમ દર્શાવવામાં આવ્યું છે. આજતક એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં ભાજપને 129-151, કોંગ્રેસને 16-30 અને AAPને 9-21 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. બીજી બાજુ રિપબ્લિક પી-માર્કેના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 128-148 બેઠકો, કોંગ્રેસને 30-42 અને AAPને 2-10 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરાઈછે. ટાઈમ્સ નાઉ ઈટી મુજબ ભાજપને 139, કોંગ્રેસને 30 અને AAPને 11 બેઠકો મળી રહી છે. ઈન્ડિયા ન્યૂઝની જન કી બાતમાં ભાજપને 117થી 140 બેઠકો, કોંગ્રેસને 51-34, AAPને 13 બેઠકો મળતી જોવા મળી રહી છે. ઝી ન્યૂઝ-બીએઆરસીના એક્ઝિટ પોલમાં ભાજપને 110થી 125 બેઠકો, કોંગ્રેસને 45-60 બેઠકો અને AAPને 1-5 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. એકંદરે, જો ભાજપ આ બેઠકો પર 20-30 બેઠકો ગુમાવે છે, તો તેની આશાઓને મોટો ફટકો પડશ. જ્યારે કોંગ્રેસ પોતાનું સન્માન બચાવવાની સ્થિતિમાં આવી જશે.


જો હિમાચલના એક્ઝિટ પોલ નિષ્ફળ જશે તો?


હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો એબીપ-સી વોટરના એક્ઝિટ પોલમાં 68 બેઠકોમાંથી ભાજપને 33થી 41 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 24-32 અને અન્યને 4 બેઠકો મળી શકે છે. ઈન્ડિયા ટીવી-મેટ્રિક્સના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 35-40 બેઠકો મળી રહી છે, કોંગ્રેસને 26-31 બેઠકો મળી રહી છે. બીજી તરફ ન્યૂઝ એક્સ-જન કી બાતમાં ભાજપને 32-40 અને કોંગ્રેસને 27-34 બેઠકો મળી રહી છે. અને રિપબ્લિક ટીવી-પી માર્કના એક્ઝિટ પોલમાં ભાજપને 34-39 બેઠકો, કોંગ્રેસને 28-33 બેઠકો મળી રહી છે. જો એક્ઝિટ પોલ અને હિમાચલ પ્રદેશના વાસ્તવિક ચૂંટણી પરિણામોમાં 10-15 બેઠકોનો પણ તફાવત આવશે તો ભાજપ હાથમાં આવેલી બાજી ગુમાવી શકે છે. જ્યારે કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. જો એક્ઝિટ પોલ નિષ્ફળતા જાય તો કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવી શકે છે.