દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાવાની છે. આ માટે તમામ ઉમેદવારો પૂરા પ્રયાસો કરી રહ્યા છે. આ ચૂંટણી જંગમાં ઉતરેલા કેટલાક ઉમેદવારો પણ કરોડપતિઓની યાદીમાં સામેલ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નો એક રિપોર્ટ સામે આવ્યો છે. આ હિસાબે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પાસે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો છે. તે પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો નંબર આવે છે.






મળતી માહિતી મુજબ ટોપ-3 સૌથી અમીર ઉમેદવારોની યાદીમાં બે ઉમેદવારો ભાજપના અને એક ઉમેદવાર આમ આદમી પાર્ટીના છે. રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો પર સૌથી વધુ દેવું છે, જ્યારે બે અપક્ષ ઉમેદવારો એવા છે જેમણે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક અપક્ષ, એક કોંગ્રેસ અને એક BSP ઉમેદવાર પાસે સૌથી ઓછી સંપત્તિ છે.


રિપોર્ટ અનુસાર, ભાજપના 249 ઉમેદવારોમાંથી 162 (65 ટકા), આમ આદમી પાર્ટીના 248 ઉમેદવારોમાંથી 148 (60 ટકા) અને કોંગ્રેસના 245 ઉમેદવારોમાંથી 107 (44 ટકા)એ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.


એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ 2.27 કરોડ રૂપિયા છે. 2017ની મ્યુનિસિપલ ચૂંટણીમાં 2,315 ઉમેદવારોમાંથી દરેકની સરેરાશ સંપત્તિ 1.61 કરોડ રૂપિયા હતી. ભાજપના 249 ઉમેદવારોમાંથી દરેકની સરેરાશ સંપત્તિ 4.04 કરોડ રૂપિયા છે, જ્યારે આમ આદમી પાર્ટીના 248 ઉમેદવારોની સંપત્તિ 3.74 કરોડ રૂપિયા છે અને કોંગ્રેસના 245 ઉમેદવારોની 1.98 કરોડ રૂપિયા છે.


બલ્લીમારાન વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના રામદેવ શર્માએ 66 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે 149-માલવીયા નગર વોર્ડમાંથી ભાજપના નંદિની શર્માએ 49.84 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. બીજી તરફ 248-કરાવલ નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્ર બંસલાએ તેમની એફિડેવિટમાં 48.27 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.


ADR એ 1,336 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. તેમાંથી 556 કરોડપતિ છે. જો ટોપ-10 અમીર ઉમેદવારોની વાત કરીએ તો તેમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી, જ્યારે ભાજપ પાસે 5, AAPના 3 અને બે અપક્ષ ઉમેદવારો છે. 4 ડિસેમ્બરે યોજાનારી MCD ચૂંટણી માટે 1,349 ઉમેદવારો મેદાનમાં છે.