Rahul Gandhi In Mhow: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ દિવસોમાં મધ્યપ્રદેશમાં છે. મહુ મધ્યપ્રદેશમાં બંધારણના લેખક ડૉ. ભીમરાવ આંબેડકરનું જન્મસ્થળ પણ છે. ઈન્દોર નજીક મહુ પહોંચેલા રાહુલ ગાંધીનું અહીં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલે મહુમાં જનસભાને સંબોધી હતી અને ફરી એકવાર આરએસએસ અને ભાજપ તેમના નિશાના પર હતા.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અન્ય કોઈપણ પાર્ટીના કાર્યકરો 3500 કિમી સુધી પણ ચાલી શકતા નથી. ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજે કેટલાક લોકો બંધારણને તોડવામાં લાગેલા છે. બંધારણે ભારતના દરેક નાગરિકને સમાન અધિકારો આપ્યા છે. રાહુલે કહ્યું હતું કે આરએસએસ અને ભાજપના લોકો આ બંધારણને નષ્ટ કરી શકે નહીં. આરએસએસ બંધારણની સત્તા ખતમ કરવા માંગે છે.
મારા દિલમાં કોઈ ડર નથી - રાહુલ ગાંધી
દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીને યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી દાદીને 32 ગોળી મારી દેવામાં આવી હતી, પિતાને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. આટલી હિંસા પછી પણ દિલમાં ડર નથી અને તેથી નફરત નથી. તેમણે કહ્યું કે મારા દિલમાં આરએસએસ, મોદી, અમિત શાહ માટે કોઈ નફરત નથી. આરએસએસના લોકો, તમારો ડર દૂર કરો, તમારો ડર દેશને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાહુલે કહ્યું, જે પ્રેમ કરે છે તે ડરતા નથી અને જે ડરતા હોય છે તે પ્રેમ કરતા નથી.
તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન અમે લગભગ 2 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રાને માત્ર એક જ જગ્યાએ ડાયવર્ટ કરવામા આવી છે, મહુમાં કારણ કે તે આંબેડકરજીની ભૂમિ છે. મહુમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ આંબેડકર, બંધારણ અને તિરંગાની ભૂમિ છે. ત્રિરંગો બંધારણની શક્તિનું પ્રતિક છે. પરંતુ દેશની એક સંસ્થાએ 52 વર્ષથી પોતાની ઓફિસ પર તિરંગો ફરકાવ્યો નથી. ભારતના પાંચ હજાર વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે.
નોટબંધી અને કોરોનાને લઈને સરકાર પર પ્રહાર
રાહુલે કહ્યું, નોટબંધી અને કોરોના દરમિયાન જે બન્યું તેની પાછળ દેશના ત્રણથી ચાર અબજપતિઓની શક્તિ છે. મોંઘવારીનો ઉલ્લેખ કરતા રાહુલે લોકોને પૂછ્યું હતું કે યુપીએના સમયમાં 400માં સિલિન્ડર, 60માં પેટ્રોલ, 55માં ડીઝલ મળતું હતું. હવે શું છે ભાવ! બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરતા રાહુલે કહ્યું કે સરકારની નીતિ છે કે એન્જિનિયરિંગ કરો અને મજૂર બનો, ચાર વર્ષ સેનામાં જાવ અને પછી મજૂર બનો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નોટબંધી, GST અને ખાનગીકરણ ગરીબોને બરબાદ કરવાના હથિયાર છે.