નવી દિલ્હીઃ કોરોનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા લોકડાઉનના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને હાલમાં લાવવા સંભવ નથી. કેન્દ્ર સરકારે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ એફિડેવિટમાં આ જાણકારી આપી હતી. સરકારે કહ્યું કે, તેમનું તમામ ધ્યાન હાલમાં દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં છે જેથી આવનારા ખતરાને ઓછો કરી શકાય.

જસ્ટિસ સંજીવ સચદેવા અને નવીન ચાવલાની ખંડપીઠ સમક્ષ વિદેશ મંત્રાલયના ઉપસચિવ હરવિંદર સિંહે બાંગ્લાદેશમાં ફસાયેલા 581 ભારતીય વિદ્યાર્થીઓને પાછા ભારત લાવવાની માંગને લઇને ગૌરવ બંસલ દ્ધારા દાખલ જનહિત અરજીનો જવાબ આપ્યો હતો.  મંત્રાલય તરફથી હાજર થયેલા વકીલ જસમીત સિંહે કહ્યું કે, લોકડાઉનના કારણે બાંગ્લાદેશ કે કોઇ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા સંભવ નથી. તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ છે એવામાં સ્થિતિ સામાન્ય થવા સુધીમાં કોઇને સ્વદેશ પાછા લાવવા સંભવ નથી. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કહ્યું છે કે તેમને ત્યાં જ પુરતી મદદ કરવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય દૂતાવાસના માધ્યમથી બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ આપવામાં આવી રહી છે. વકીલ બંસલે અરજીમાં બાંગ્લાદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારને આદેશ આપવાની માંગ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ વોટ્સએપ મારફતે તેમને થતી પડતી મુશ્કેલીઓ જણાવી મદદની માંગ કરી હતી.