MEA Advisory for Iran: મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને બાહ્ય તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારત સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, જેના ભાગરૂપે ભારતીય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA) એ પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક તાત્કાલિક અને ગંભીર એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. મંત્રાલયે ઈરાનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓને સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે તેઓ શક્ય એટલી ઝડપે ઈરાન છોડી દે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં ભારત સરકાર દ્વારા ઈરાનની સ્થિતિને લઈને આ બીજી ચેતવણી જાહેર કરવામાં આવી છે, જે ત્યાંની વણસતી પરિસ્થિતિનો ચિતાર આપે છે. આ સાથે જ આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ ભારતીયને તેહરાન કે ઈરાનની મુસાફરી ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોએ અત્યંત સાવધાની રાખવાની જરૂર છે. હાલમાં ત્યાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન (Protests) અને રેલીઓ હિંસક બની શકે છે, તેથી ભારતીયોએ ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ.
નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ (Commercial Flights) અથવા પરિવહનના અન્ય કોઈ પણ સાધનોનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે દેશ છોડી દે. દૂતાવાસે ભારતીય નાગરિકોને સતત સતર્ક રહેવા અને કોઈપણ નાના-મોટા અપડેટ માટે સ્થાનિક મીડિયા તથા સમાચાર ચેનલો પર નજર રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત, ઈરાનમાં રહેતા તમામ ભારતીયોને તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટ અને આઈડી કાર્ડ હંમેશા તૈયાર અને સાથે રાખવાની તાકીદ કરવામાં આવી છે, જેથી કટોકટીના સમયે મુશ્કેલી ન પડે.
મુશ્કેલીના સમયમાં ભારતીય નાગરિકોની મદદ માટે ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) ચોવીસ કલાક કાર્યરત છે. દૂતાવાસ દ્વારા ઈમરજન્સી સંપર્ક માટે ખાસ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો મદદ માટે +989128109115, +989128109109, +989128109102, અને +989932179359 પર કોલ કરી શકે છે.
આ ઉપરાંત, દસ્તાવેજી કાર્યવાહી કે અન્ય સહાય માટે cons.tehrana.mea.gov.in પર ઈમેઈલ પણ કરી શકાય છે. દૂતાવાસે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળના વ્યક્તિ (PIO) ને તકલીફ જણાય તો તેઓ તુરંત જ દૂતાવાસનો સંપર્ક કરે. હાલમાં ઈરાનમાં વ્યાપક હિંસા અને સુરક્ષા દળોની કાર્યવાહીના અહેવાલો મળી રહ્યા છે, બીજી તરફ અમેરિકા (USA) દ્વારા પણ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ચીમકી આપવામાં આવી રહી હોવાથી વિદેશી નાગરિકોની સુરક્ષા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.