PMO New Name Seva Tirth: દેશના વહીવટીતંત્રના કેન્દ્રબિંદુ સમાન વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું અને ઓળખ બંને મકરસંક્રાંતિના પાવન પર્વ પર બદલાઈ ગયા છે. દાયકાઓથી સત્તાનું કેન્દ્ર રહેલો સાઉથ બ્લોક હવે ભૂતકાળ બની જશે, કારણ કે પીએમઓ હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (Central Vista Project) હેઠળ નિર્માણ પામેલા અત્યાધુનિક સંકુલમાં શિફ્ટ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે પીએમઓની નવી ઓળખ હવે 'સેવા તીર્થ' (Seva Tirth) રહેશે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 'સેવા તીર્થ'ની ડિઝાઈન જૂની સરકારી ઓફિસો કરતાં તદ્દન અલગ અને આધુનિક છે. અહીં બંધ કેબિનોને બદલે 'Open Floor' ડિઝાઈન અપનાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ અધિકારીઓ વચ્ચેનો સંવાદ વધારવાનો અને પદાનુક્રમની ઔપચારિકતાઓ ઘટાડવાનો છે. આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઈમારત અત્યાધુનિક સાયબર સિક્યુરિટી નેટવર્ક (Cyber Security Network) અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે તેમજ આ સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.

Continues below advertisement

આ નવા સંકુલનું એક મુખ્ય આકર્ષણ 'India House' છે, જે પીએમઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડશે. અત્યાર સુધી પીએમઓમાં વિદેશી મહેમાનો કે પ્રેસ કોન્ફરન્સ માટે કોઈ ડેડિકેટેડ જગ્યા નહોતી, પરંતુ હવે આધુનિક કોન્ફરન્સ સુવિધાથી સજ્જ ઈન્ડિયા હાઉસમાં હાઈ-લેવલ દ્વિપક્ષીય બેઠકો અને આંતરરાષ્ટ્રીય સમિટ યોજી શકાશે. આ ફેરફાર માત્ર નામ બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાસન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ છે. આશરે ₹1,200 Crore ના ખર્ચે તૈયાર થયેલું આ સંકુલ સત્તાના ત્રણ મુખ્ય અંગોને એકસાથે લાવશે. જેમાં 'સેવા તીર્થ 1' માં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), 'સેવા તીર્થ 2' માં કેબિનેટ સચિવાલય (Cabinet Secretariat) અને 'સેવા તીર્થ 3' માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ની ઓફિસ કાર્યરત થશે. અગાઉ આ તમામ કચેરીઓ અલગ-અલગ જગ્યાએ હોવાથી સંકલનમાં સમય લાગતો હતો, જે હવે એક જ સંકુલમાં હોવાથી દૂર થશે.

પીએમઓ અને અન્ય મહત્વની કચેરીઓ સંપૂર્ણપણે નવા બિલ્ડિંગમાં શિફ્ટ થયા બાદ, જૂની ઐતિહાસિક ઈમારતો એટલે કે નોર્થ અને સાઉથ બ્લોક (North and South Block) ને લોકો માટે 'જાહેર સંગ્રહાલય' (Museum) માં ફેરવવામાં આવશે. આમ, અંગ્રેજોના સમયની આ ભવ્ય ઈમારતો હવે ભારતના ભવ્ય ઈતિહાસની સાક્ષી બનીને રહેશે અને સામાન્ય જનતા પણ તેની મુલાકાત લઈ શકશે.

Continues below advertisement