નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે ફરી બંન્ને મધ્યસ્થીઓ સંજય હેગડે અને સાધના રામચંદ્રન શાહીન બાગ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સાધના રામચંદ્રને કહ્યુ કે, અમારી મધ્યસ્થતા વાર્તા ચાલુ છે અને અમે આવતીકાલે ફરી શાહીન બાગ આવીશું. જોકે, આ અગાઉ તે ખૂબ નારાજ થઇ ગઇ જ્યારે વાતચીત દરમિયાન એક પ્રદર્શકારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીને ખોટી ગણાવી દીધી હતી. સાધનાએ કહ્યું કે, અહી આવો જ માહોલ રહ્યો તો અમે આવતીકાલે નહી આવીએ. તેમણે અલગ સ્થળ પર મળવાની વાત કરી છે જ્યાં ફક્ત મહિલાઓ જ હોય.


સંજય હેગડેએ કહ્યું કે, પ્રદર્શનથી કોઇને પરેશાની હોવી જોઇએ નહીં. અમે ઇચ્છીએ છીએ કે શાહીન બાગનું પ્રદર્શન દેશ માટે મિસાલ બને. જ્યા સુધી સુપ્રીમ કોર્ટ છે ત્યાં સુધી તમારી વાત સાંભળવવામાં આવશે. તમે છેલ્લા બે મહિનાથી બેઠા છો. અમે ભારતમાં એકસાથે રહીએ છીએ જેથી બીજાને અસુવિધા ના થાય.


નોંધનીય છે કે શાહીન બાગમાં એનઆરસી અને સીએએના વિરોધમાં મુસ્લિમ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન 15 ડિસેમ્બરથી ચાલી રહ્યું છે.