નવી દિલ્હીઃ આશિકીના ચક્કરમાં મેડિકલનો અભ્યાસ કરનારો વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં જ નાપાસ થયો હતો. નાપાસ થવા પાછળ વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી હતી અને પ્રથમ વર્ષના અભ્યાસની ફી ભરવા કહ્યુ હતું. ગર્લફ્રેન્ડે આ વાત પર બોયફ્રેન્ડને છોડી દીધો હતો. જેને કારણે છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને ફોન અને મેસેજ કરીને ફીની માંગણી કરવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં ગર્લફ્રેન્ડે પરેશાન થઇને પોલીસ ફરિયાદ નોંધાવી તો વિદ્યાર્થીને જેલ જવાનો વારો આવ્યો હતો. આ ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની છે.
મહારાષ્ટ્ર ઔરંગાબાદ જિલ્લામાં 21 વર્ષના એક મેડિકલ સ્ટુડન્ટની પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થી પર વસૂલી અને ગુનાહિત ઇરાદાથી છેતરપિંડીનો આરોપ છે. બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીનો અભ્યાસ કરી રહેલા આરોપી વિદ્યાર્થીની પરીક્ષામાં નાપાસ થવા પર ગર્લફ્રેન્ડ પાસેથી અભ્યાસની ફી ભરવાની માંગ કરી હતી. તેનું કહેવું હતું કે, ગર્લફ્રેન્ડે તેનું ધ્યાન ભણવા પરથી હટાવ્યુ જેને કારણે તે નાપાસ થયો હતો.