વર્ષ 2018માં પૂણેની એક એન્જીનીયરીંગ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીએ નક્કી કર્યું કે તે, એલોન મસ્કને ટેસ્લા કારની ઓટોમેટીક વિન્ડસ્ક્રિન વાઈપર અને વરસાદમાં આ વાઈપર સાથે થતી તકલીફ વિશે ટ્વિટ કરીને જાણકારી આપે. આ વિદ્યાર્થીએ ટ્વીટ કર્યાની થોડી જ ક્ષણોમાં એલોન મસ્ક તરફથી જવાબ આવ્યો કે, ગાડીની આવતી રીલીઝમાં આ મુશ્કેલીને દુર કરાશે. 


આ ટૂંકી વાતચીત બાદ સીધા 2022માં આવીએ તો એલોન મસ્કે જે વિદ્યાર્થીને ટ્વિટર પર જવાબ આપ્યો હતો તેનું નામ પ્રણય પટોલે છે અને તે હાલ ટાટા કન્સલ્ટન્સી સર્વીસમાં સોફ્ટવેર ડેવલપર છે. અને મુખ્યવાત એ છે કે, હાલ તે ટ્વિટર પર ફેમસ થઈ ગયો છે. પ્રણય હવે સીધો ટ્વિટર પર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સાથે રોજ વાતચીત કરે છે. 


આ વિશે પ્રણયને પુછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યું કે, "રેડ્ડીટ પર એક યુઝરે લખ્યું હતું કે ટેસ્લા કારમાં વરસાદ આવે ત્યારે વાઈપરમાં તકલીફ થાય છે. મેં જ્યારે આ વાંચ્યુ ત્યારે મને થયું કે મસ્કને ટ્વિટર પર જ આ માહિતી શેર કરું. મેં જેવું આ ટ્વિટ કર્યુ કે તરત જ એલોન મસ્કે મને રિપ્લાય આપ્યો હતો.  દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરફથી તરત જ મળેલા રિપ્લાયથી હું આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો."


દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ સાથે ટ્વિટર પર રોજ વાતચીત કરતાં કેવું લાગે છે તે સવાલના જવાબમાં પ્રણય કહે છે કે, એલોન મસ્ક મિત્રતા પુર્વક મારી સાથે વાત કરે છે. એવું ક્યારેય નથી લાગતું કે હું દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું. મને એવું જ લાગે છે કે હું મારા કોઈ મિત્ર સાથે ટ્વિટર પર ચેટ કરી રહ્યો છું. એલોન મસ્ક એ સાદા, પ્રમાણીક અને સરળ વ્યક્તિની જેમ જ વર્તન કરે છે. આ સાથે જ તેઓ ટ્વિટર પર એટલા એક્ટિવ હોય છે કે, જેવો હું તેમને મેસેજ કરું છું તેઓ તરત જ મને રિપ્લાય આપે છે. 


હાલ પ્રણયના ટ્વિટર પર હજારો ફોલોવર્સ છે. પ્રણયના ફોલોવર્સની યાદીમાં દુનિયાની મોટી હસ્તીઓનો સમાવેશ થાય છે. પ્રણયે મંગળ વિશે કરેલા એક ટ્વીટ પર 1.38 લાખ લાઈક આવી છે અને 28 હજાર લોકોએ તેને રિ-ટ્વિટ કર્યું છે.