વિધાનસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી ત્યારે હવે નવી સરકારના શપથ ગ્રહણની ઘડીઓ ગણાઈ રહી છે.  આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે RSSના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ ભાગવતની આ મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.આ બેઠક અંગે સૂત્રોનું માનીએ તો યોગી આદિત્યનાથે આરએસએસના વડા મોહન ભાગવતને શપથ ગ્રહણમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.


RSSના વડા  4 દિવસના પ્રવાસ પર છે


તમને જણાવી દઈએ કે RSSના વડા મોહન ભાગવત ચાર દિવસીય પ્રવાસ (19 થી 22 માર્ચ) પર ગોરખપુર પહોંચ્યા છે અને હોળીના કાર્યક્રમને કારણે  સીએમ યોગી પણ ત્યાં હાજર છે. તેઓ સંઘના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત 22 માર્ચે પારિવારિક જ્ઞાનદાન કાર્યક્રમને સંબોધિત કરશે. બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્વયંસેવકો અને તેમના પરિવારો ભાગ લેશે. તેમા ભાગ લેવા લગભગ 1000 લોકોને બોલાવવામાં આવ્યા છે.


ચૂંટણી જીત્યા બાદ ભાગવત અને યોગીજી વચ્ચે પહેલી મુલાકાત


નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને  યોગી આદિત્યનાથ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીએ સૌજન્ય મુલાકાત કરી છે. મોહન ભાગવતને મળીને ગોરખનાથ મંદિર પહોંચેલા મુખ્યમંત્રી અચાનક બાળકો વચ્ચે પહોંચી ગયા હતા.


મોહન ભાગવત પાંચમીવાર ગોરખપુર પહોંચ્યા


સંધ પ્રમુખ તરીકે મોહન ભાગતનો ગોરખપુરનો આ પાંચમો પ્રવાસ છે. પહેલીવાર તેઓ કાર્યકારી મંડલની બેઠકમાં ભાગ લેવા માટે ગોરખપુર આવ્યા હતા. જેમા દેશભરમાંથી સંઘના પદાધિકારીઓ ગોરખપુર પહોંચ્યા હતા. બીજી, ત્રીજી અને ચોથી વાર તેઓ ગોરખ પ્રાંતની બેઠક માટે ગોરખપુર આવ્યા હતા.