વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ શનિવારે, યોજાયેલા 14મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપી હતી. આ સમિટમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બંને દેશોના સંબંધોને મજબુત કરવા અંગે ચર્ચાઓ થઈ હતી. આ વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન અથવા રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે," 


જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના ભૌગોલીક ડિવીડન્ડ અને જાપાનની મૂડી અને ટેક્નોલોજીને સમન્વયિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 


સાયબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ, માહિતીના આદાનપ્રદાન અને સહકાર, જેવા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. PM મોદીએ વધુમાં કે કહ્યું, "મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર ભારત અને જાપાન 'એક ટીમ-એક પ્રોજેક્ટ' તરીકે કામ કરી રહ્યા છે.


આ ફોરમનો એક વીડિયો ટ્વિટ કરીને, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "જાપાન સાથે વ્યાપારી જોડાણને વેગ આપવામાં આવી રહ્યો છે."






આ પહેલા જાપાનના પ્રધાનમંત્રીએ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત દરમિયાન યુક્રેન સંકટ, ચીન અને રોકાણ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે આર્થિક સહયોગ વધારવા અને સાથે સાથે હિન્દ પ્રશાંત ક્ષેત્રને લઈને પણ ચર્ચા થઈ.


ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું."જાપાન સાથે મિત્રતા આગળ વધી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્યુમિયો કિશિદાએ નવી દિલ્હીમાં બેઠક કરી હતી જેમાં બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને વેગ આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી" 






ગયા વર્ષે જાપાનના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ ફ્યુમિયો કિશિદાની પ્રધાનમંત્રી મોદી સાથે આ પ્રથમ મુલાકાત છે. જાપાનના પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વાગત કર્યું હતું.


અગાઉની ઓક્ટોબર 2018માં વાર્ષિક સમિટ ટોક્યોમાં યોજાઈ હતી. ત્યારે શિન્ઝો આબે જાપાનના વડાપ્રધાન હતા.