સેંકડો નારાજ લોકોએ સોમવારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ઓછામાં ઓછા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના સમયે સીએમ સંગમા કેમ્પસની અંદર હાજર હતા. જો કે, તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સુરક્ષાના કારણોસર તેઓ ઘરની અંદર જ છે.






વાસ્તવમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા ACHIK, GHSMC સહિત વિવિધ વિરોધ કરી રહેલા નાગરિક સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા હતા. તેમની વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન કેમ્પસની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ આ દરમિયાન પથ્થરમારો પણ કર્યો હતો અને સીએમ ઓફિસની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા.


જવાબી કાર્યવાહીમાં પોલીસે ત્યાં એકઠા થયેલા ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે, પરંતુ સ્થિતિ 'ખૂબ જ તણાવપૂર્ણ' છે.


સીએમ ઓફિસના જનસંપર્ક અધિકારીએ કહ્યું હતું કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા ગારો-હિલ્સ સ્થિત આંદોલનકારી સંગઠનો સાથે ચર્ચા કરી રહ્યા હતા જેઓ તુરામાં શિયાળાની રાજધાની માટે ભૂખ હડતાળ પર છે. દરમિયાન, તુરામાં સીએમઓ પર ભીડ (આંદોલનકારી જૂથો સિવાય) એકત્ર થઈ અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જ્યારે 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. સીએમ અને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ (PHE) મંત્રી સીએમઓ તુરામાં મામલાની દેખરેખ રાખી રહ્યા છે.


તુરા શહેરમાં તાત્કાલિક અસરથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ઘાયલો માટે 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.


નાગરિક સંસ્થાઓએ પોતાને વિરોધીઓથી અલગ કરી દીધા હતા


દરમિયાન, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રહેલા નાગરિક સંસ્થાઓના સભ્યોએ હુમલાથી પોતાને અલગ કર્યા હતા. તેમણે કહ્યું કે ટોળામાં સામેલ લોકો તેમના નથી અને તેમને આ હુમલા સાથે કોઈ લેવાદેવા નથી.


પોલીસ અધિકારીઓએ કહ્યું કે વિરોધીઓ તુરાને શિયાળુ રાજધાની બનાવવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં બહારના લોકો તેમની સાથે જોડાયા અને ઓફિસ પર પથ્થરમારો શરૂ કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના વીડિયો ફૂટેજ જોવામાં આવશે અને દોષિતોની ઓળખ કરવામાં આવશે