Meri Mati Mera Desh Campaign: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આજથી 'મેરી માટી-મેરા દેશ' અભિયાનની શરૂઆત કરાશે. 30મી ઓગસ્ટ સુધી તમામ પંચાયતો અને બ્લોક સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમનું સમાપ દિલ્હીના કર્તવ્ય પથ પર કરાશે. દેશભરની પંચાયતોની માટી સાથે દિલ્હીના કર્તવ્ય પથ પર 'અમૃત વાટિકા' બનાવવામાં આવશે. તે સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનાર નાયકોને સમર્પિત ' આઝાદી કા અમૃત મહોત્સવ મેમોરિયલ' હશે. આ ઉપરાંત ગામડાઓમાં તળાવોના જતનના હેતુથી તેના કિનારે દેશ અને કર્તવ્ય માટે બલિદાન આપનાર શહીદોના નામ પર સ્મારકો પણ બનાવવામાં આવશે.

સાંસ્કૃતિક મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ' આઝાદી કા અમૃત મહોત્સવ' અભિયાનની શરૂઆત  12 માર્ચ, 2021 ના ​​રોજ થઇ હતી. અને સમગ્ર ભારતમાં આયોજિત બે લાખથી વધુ કાર્યક્રમો સાથે વ્યાપક જનભાગીદારી જોવા મળી હતી. 'મેરી માટી મેરા દેશ' ઝુંબેશના ભાગરૂપે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 9 થી 30 ઓગસ્ટ સુધી ગામ, બ્લોક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાપન સમારોહ 30 ઓગસ્ટના રોજ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે વિવિધ મહાનુભાવોની હાજરીમાં યોજાશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શહીદોની યાદમાં ગ્રામ પંચાયતોમાં 'શિલાફલકમ' (સ્મારક તકતીઓ) સ્થાપિત કરવામાં આવશે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ હશે અને તે વિસ્તારના એ લોકોના નામ હશે જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો.


પીએમ મોદીએ તાજેતરમાં 'મન કી બાત' કાર્યક્રમમાં આ અભિયાનની જાહેરાત કરી હતી. સાંસ્કૃતિક મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન અમૃત કલશ યાત્રા પણ કાઢવામાં આવશે. આ અંતર્ગત દેશના ખૂણેખૂણેથી લાવેલી માટીથી દિલ્હીમાં 'અમૃત વાટિકા' બનાવવામાં આવશે. આ અમૃત વાટિકા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે.


પંચ-પ્રાણ સહિત પૃથ્વીને બચાવવા 75 દેશી છોડ વાવવામાં આવશે


આ દરમિયાન આયોજિત થનારા કાર્યક્રમમાં વિકસિત ભારત, ગુલામીના દરેક વિચારોમાંથી આઝાદી, વારસા પર ગૌરવ, એકતા અને નાગરિકોને તેમની ફરજો બજાવવાના પાંચ શપથ લેવા માટે આહવાન કરાશે.  આ ઉપરાંત આપણા ગામ, પંચાયત અને વિસ્તાર અને ધરતીને બચાવવા 75 દેશી છોડ વાવવામાં આવશે.