Manipur Violence: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં એક તરફ કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા અટકવાનું નામ લઇ રહી નથી તો બીજી તરફ પોલીસ અને સુરક્ષા દળો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મણિપુર પોલીસે આસામ રાઈફલ્સના જવાનો વિરુદ્ધ FIR નોંધી છે.


પોલીસે આસામ રાઈફલ્સના જવાનો વિરુદ્ધ ઓપરેશનમાં અવરોધ ઉભો કરવા બદલ FIR નોંધી છે. વાસ્તવમાં બિષ્ણુપુર જિલ્લાના કવાક્તા વિસ્તારમાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. પોલીસે કૂકી હુમલાખોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં આસામ રાઈફલ્સ પર અવરોધ ઉભો કરવાનો આરોપ છે.


મણિપુર પોલીસનું કહેવું છે કે જ્યારે તે ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે આસામ રાઈફલ્સે તેની વાન ઊભી રાખી હતી જેના કારણે માત્ર ઓપરેશનમાં અવરોધ ન આવ્યો પરંતુ કુકી આતંકવાદીઓને ભાગવામાં પણ મદદ મળી હતી. તેથી પોલીસે આસામ રાઈફલ્સના જવાનો વિરુદ્ધ FIR નોંધી છે.


આસામ રાઇફલ્સનો વિરોધ


આ દરમિયાન રાજધાની ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સ વિરુદ્ધ મૈતેઈ મહિલાઓએ પણ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન રાજધાનીના મીરા પૈબીસ વિસ્તારમાં થયું હતું. મહિલાઓ આ વિસ્તારમાંથી આસામ રાઈફલ્સના જવાનોને હટાવવાની તેમની માંગ પર અડગ હતી. આ પછી બિષ્ણુપુર અને કાંગવાઈ વચ્ચેની મોઈરાંગ ચેકપોસ્ટ હટાવી દેવામાં આવી હતી.


અમિત શાહને મળવાની રાહ જોતા રહ્યા કુકી સમુદાયના નેતાઓ


કુકી સમુદાયના નેતાઓ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મંગળવારે બેઠક થવાની હતી, પરંતુ તે થઈ શકી નહીં. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના પ્રવક્તા ગિન્જા વુઅલજોંગે ઓફ રેકોર્ડ જણાવ્યું હતું કે એક મીટિંગ યોજાવાની હતી, જેમાં આઈબીના જોઈન્ટ ડાયરેક્ટર પણ હાજર રહેવાના હતા. અમને કહેવામાં આવ્યું હતું કે  સાંજે 6:30 વાગ્યે આવો અને ગૃહમંત્રી સાથે મુલાકાતનો સમય નક્કી કરી લો.


તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ અમને મળવા બોલાવ્યા હતા કારણ કે તેમણે અમને અમારા લોકોને દફનાવતા અટકાવ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેઓ સાત દિવસ પછી દફનવિધિ કરશે. તેમણે કહ્યું કે અમારી ચાર મુખ્ય માંગણીઓ છે. પ્રથમ- મણિપુરથી અલગ દરજ્જો, બીજું- આદિવાસી કેદીઓની ઇમ્ફાલ જેલમાંથી મુક્તિ, ત્રીજું- ઇમ્ફાલ ખીણમાંથી આદિવાસીઓના મૃતદેહોને પહાડીઓ પર લાવવા અને ચોથું- પહાડીમાં તૈનાત સુરક્ષા દળોને હટાવવા.


મણિપુર ત્રણ મહિનાથી સળગી રહ્યું છે


3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) એ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ રેલી ચૂરચાંદપુરના તોરબંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી. આ રેલી મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. મૈતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે.


આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાંજ સુધીમાં સ્થિતિ એટલી બગડી કે સેના અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને ત્યાં તૈનાત કરવામાં આવી.