કેરળમાં આજથી ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેરળ તટ અને દક્ષિણ-પૂર્વી અરબ સાગર પર વાદળો છવાયા છે. અને આગામી 24 કલાકમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલોટ જોવા મળ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી સુરતના પાલ, અડાજણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે.
અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના શામળાજી, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વરસાદ વરસતા ઉનાળુ પાક અને ઘાસચારાને નુકસાન થયુ.
મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતી સેવાઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી છે.