નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે મોનિટરિંગ, નિયંત્રણ અને સાવચેતી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારના દિશા-નિર્દેશ 1 ડિસેમ્બરથી લાગૂ થશે અને 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે.



આ સાથે અન્ય ગતિવિધિઓ માટે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોટોકોલ્સ(એસઓપી) જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, કન્ટેન્મેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ગતિવિધિને જ મંજૂરી અપાશે. કન્ટન્મેન્ટ ઝોનમાં નિયમોનું સખ્તાઇથી પાલન કરવાની જવાબદારી સ્થાનિક-જિલ્લા પોલીસ, અને પાલિકા ઓથોરિટીની રહેશે. આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધિત અધિકારીઓ સાથે મળીને જવાબદારી નક્કી કરશે.

જોકે, રાજ્યોને કેન્દ્ર સરકારની સલાહ અને મંજૂરી વગર કન્ટન્મેન્ટ ઝોન બહાર લોકડાઉન લગાવવાની મંજૂરી નહીં મળે. રાજ્યોને એમ પણ કહેવાયું છે કે, તેઓ કાર્યસ્થળો પર સોશિયલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરે.

ગૃહ મંત્રાલય તરફથી આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરશે અને કોરોનાના દર્દીઓનો ઉપચાર સુવિધાઓ ઝડપથી આઇસોલેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોના મહામારી રોકવા માટે સ્થાનિક સ્તરે નાઇટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધ લગાવવાની છૂટ આપી છે.