Delhi Excise Case: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની નવી એક્સાઈઝ પોલિસી મામલે રાજકીય વિવાદ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની ભલામણ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ બે ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.  ગૃહ મંત્રાલયે તત્કાલિન એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણ અને ડેપ્યુટી એક્સાઈઝ કમિશનર આનંદ કુમારને સસ્પેન્ડ કરી દીધા છે. બંન્ને અધિકારીઓનું કૌભાંડમાં નામ આવ્યું હતું. 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ બંનેના પરિસરમાં દરોડા પાડ્યા હતા.






વાસ્તવમાં મહિનાની શરૂઆતમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ વિજિલન્સને ડિરેક્ટોરેટ ઑફ વિજિલન્સ (DoV)ના તપાસ રિપોર્ટના આધારે 11 અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ તમામ અધિકારીઓ પર દિલ્હીની નવી આબકારી નીતિ (2021-22) ઘડવામાં અને લાગુ કરવામાં નિયમોની અવગણના કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતાઓ હતી અને પસંદગીના વિક્રેતાઓને લાભો આપવામાં આવ્યા હતા.વિજિલન્સ ડિરેક્ટોરેટના રિપોર્ટમાં અનિયમિતતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એલજીએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ઇકોનોમિક ઓફેન્સ વિંગ પણ આ મામલે તપાસ કરી રહી છે.


આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે


આરવ ગોપી કૃષ્ણ અને આનંદ કુમાર ઉપરાંત એલજીએ ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી, આસિસ્ટન્ટ કમિશનર પંકજ ભટનાગર, નરેન્દ્ર સિંહ અને નીરજ ગુપ્તા, સેક્શન ઓફિસર કુલજીત સિંહ અને સુભાષ રંજન, સુમન, ડીલિંગ હેડ સત્યવર્ત ભાર્ગવ, સચિન સોલંકી અને ગૌરવ માન વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી.


સાત રાજ્યોમાં સીબીઆઈના દરોડા


સીબીઆઈએ જણાવ્યું હતું કે એજન્સી એક્સાઈઝ કૌભાંડ કેસમાં સાત રાજ્યોમાં દરોડા પાડી રહી છે. FIRમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ચાર હસ્તીઓના નામ સામેલ છે. તાજેતરમાં સીબીઆઈએ દિવસભર મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા અને એજન્સી દ્વારા તેમના લેપટોપ-મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડા બાદ દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. કોંગ્રેસે પણ આ મામલે AAPને ઘેરી છે. મનીષ સિસોદિયાએ તો એવો પણ દાવો કર્યો છે કે તેમને કેટલાક મેસેજ મળ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપમાં જોડાઇ જાવ, ED-CBIની તપાસ બંધ કરી દેવામાં આવશે અને તેમને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવશે.