જયપુર: રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં શુક્રવારે વાયુસેનાનું એક વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે કુદી ગયા હતા. સેનાના પ્રવક્તા સોંબિત ઘોષના અનુસાર દુર્ઘટનાગ્રસ્ત લડાકૂ વિમાન મિગ-21 બીકાનેરના વાયુસેનાના નાલથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આ પ્લેન બીકાનેરના શોભાસર ગામ પાસે ક્રેશ થયું છે. શોભાસર ગામના લોકોએ પ્લેનમાંથી નીકળતો ધૂમાળો જોતા પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર ફાયટરને જાણ કરવામાં આવી હતી.


બીકાનેરમાં આ દુર્ઘટના નાલ એરબેસ પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેઓએ પ્લેનમાંથી પાયલટ પેરાશૂટમાંથી ઉતરતો જોયો હતો તથા પ્લેન ક્રેશ થયા બાદ ધૂમાડો નિકળતો જોયો હતો. બીકાનેરના જિલ્લા ક્લેક્ટરે દુર્ઘટનાની પુષ્ટી કરી બચાવદળને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં તેલંગણાના યાદાદ્રી-ભુવનગિરી જિલ્લામાં ભારતીય વાયુસેનાના એક પ્રશિક્ષણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.. વાયુસેનાના હાકિમપેટ હવાઇ અડ્ડા પરથી રવાના થયેલું આ વિમાન અંદાજે 11 વાગ્યે ખુલ્લા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પાયલટને પગમાં ઇજા થઇ હતી.